- સુખસરથી કલાલ સમાજનો યુવક તથા મુસ્લિમ સમાજની યુવતીએ સાત માસ અગાઉ ઘર છોડી ભાગી જઈ પ્રેમ લગ્ન કરી લીધા હતા.
- યુવક તથા યુવતી ઘરે આવતા યુવતીનું અપહરણ કરતા ચાર મુસ્લિમ સમાજના વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો.
ફતેપુરા,દરેક સમાજમાં સામાજીક રીતરિવાજ અને સામાજીક બંધન તે સમાજની લક્ષ્મણ રેખા છે અને આ લક્ષ્મણ રેખાની અંદર દરેક સમાજે રહેવાનું હોય છે. પરંતુ જ્યારે સામાજીક રિવાજ અને બંધનની લક્ષ્મણ રેખા ઓળંગી જે-તે સમાજના સભ્ય આ લક્ષ્મણ રેખાની બહાર નીકળે છે. ત્યારે રામાયણ સર્જાય તે જગ જાહેર બાબત છે. તેવી જ રીતે સાતેક માસ આગાઉ સુખસર કલાલ સમાજનો એક યુવક તથા મુસ્લિમ સમાજની યુવતી પ્રેમાન્ધ બની ઘર છોડી ભાગી ગયેલ હતા અને પ્રેમ લગ્ન પણ કરી લીધા હતા. ત્યારબાદ હાલ આ બંને પ્રેમી પંખીડાઓ સુખસર ગામે યુવકના ઘરે પરત ફરતા યુવતીના પિયરિયાઓ દ્વારા યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરી જતાં મુસ્લિમ સમાજના ચાર વ્યક્તિઓની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સુખસર પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરના આફવા રોડ ખાતે રહેતા કલાલ સમાજનો યુવક તથા સુખસરમાં રહેતી એક મુસ્લિમ સમાજની યુવતી શાળામાં અભ્યાસ સાથે અવર-જવર કરતા પ્રેમ સંબંધ બંધાયો હતો. સમય જતા આ યુવક-યુવતી પુખ્ત થતાં એકબીજાનું સારૂં-નરશુ વિચારી સાથે જિંદગી વિતાવવાના કોડ જાગ્યા પરંતુ બંનેના સમાજ અલગ-અલગ હોય આ લગ્ન સંભવિત નહીં જણાતાં અને બીજી બાજુ એકબીજા વિના જીવન જીવવું દોહ્યલું જણાતાં સાતેક માસ અગાઉ આ યુવક-યુવતી પરસ્પર એકબીજાની સંમતિથી ઘર છોડી ભાગી ગયેલ અને વામલી ગામે મહાદેવ મંદિરમાં જઈ એકબીજાને ફૂલહાર ચડાવી લગ્ન ગ્રંથિથી જોડાઇ ગયેલા અને લગ્ન નોંધણી કરાવી આ યુવક-યુવતી પતિ-પત્ની તરીકેના તમામ હક્કો ભોગવી રહ્યા હતા.
ત્યારબાદ ગત 25 જુલાઈ-2023 નારોજ આ યુવક યુવતી સુખસર ગામે યુવકના ઘરે પરત ફર્યા હતા અને ઘરની ઓસરીમાં બેઠેલા હતા. તેવા સમયે સુખસરના ચાર મુસ્લિમ સમાજના સભ્યો ફોર વ્હિલર ગાડી નંબર-જીજે-01-કેક્યુ-6825 લઈ કલાલ સમાજના યુવાનના ઘરે આવ્યા હતા અને જણાવતા હતાં કે,આ સંબંધ અમોને પસંદ નથી. તેમ જણાવી કલાલ સમાજના યુવક સાથે ભાગી ગયેલ યુવતીને પકડી ઘરની બહાર ખેંચી જતા યુવતી તેમની સાથે જવાનીના પાડવા છતાં યુવતીને બળજબરી ફોર વ્હિલર ગાડીમાં બેસાડી આફવા બાજુના રસ્તે ગાડી હંકારી જતા રહેલા. જોકે, ત્યાર બાદ સુખસરમાં ચકચાર મચી જવા પામી હતી. પરંતુ હાલ આ બાબતે કોઈ ચર્ચા કરવા તૈયાર નહીં હોય તેમ જણાઈ રહ્યું છે.
ઉપરોક્ત બાબતે સુખસરના નિખિલ કુમાર પ્રવીણભાઈ કલાલે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં ઇમરાનભાઈ ઈશાકભાઈ સીતા, સોહિલભાઈ શબ્બીરભાઈ ભાભોર, શબ્બીરભાઈ ગનીભાઈ ભાભોર, ફારૂકભાઈ ગનીભાઈ ભાભોર નાઓની વિરૂદ્ધમાં આઈ.પી.સી.કલમ-365(કોઈ વ્યક્તિને ગુપ્ત રીતે અને ગેરઇરાદાથી તેનું અપરણ કે અપનયન કરવું)452 વ્યથા, હુમલો વિગેરે કરવાની તૈયારી કરીને ગૃહ અપ પ્રવેશ કરવો) તથા 114 (કોઈ ગુનો કરવા દૂષ્પ્રેરણા કરી ગુન્હાહિત પ્રવૃત્તિમાં હાજર હોવું) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.