નડિયાદ હાથનોલીના નિવૃત્ત આર્મીમેન પાસેથી ગઠિયાઓએ 3.50 લાખ પડાવ્યા

નડિયાદ, નડિયાદ તાલુકાના હાથનોલી ગામે રહેતા અને ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધને લોટરી લાગી હોવાનુ કહીને સાયબર ગઠિયાઓએ રૂ.3,50,000/-જેટલી રકમ પડાવી લીધી હતી. બાદમાં શખ્સો દ્વારા ધાક ધમકી આપવામાં આવતી હોવાથી અંતે આ મામલે સાયબર ક્રાઈમમાં તેમજ નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

હાથનોલી ગામે ભગતવાળુ ફળિયામાં રહેતા નિવૃત્ત આર્મીમેન પરસોત્તમભાઈ બાબરભાઈ ચોૈહાણના મોબાઈલ પર તા.28 જાન્યુઆરી 2023ના રોજ એક લોટરી લાગ્યાનો મેસેજ આવ્યો હતો.પરંતુ બાદમાં અવાર નવાર તેમના મોબાઈલમાં આવા મેસેજ આવવાના શરૂ થતાં તેઓએ મેસેજમાં જણાવેલા નંબર ઉપર ફોન કર્યો હતો. સામે છેડે વાત કરનાર શખ્સે તેમને જણાવ્યુ હતુ કે,તમને રૂપિયા 35 લાખ રોકડા તથા ગાડીની લોટરી લાગી છે. લોટરીની રકમ સાંભળીને તેઓ લલચાઈ ગયા હતા અને તેની સાથે વધુ વાતચીત કરી વિગતો મેળવી હતી. ત્યારપછી ફોન કરનાર શખ્સે પહેલા રૂ.2,000 ભરવા જણાવ્યુ હતુ જેથી તેમણે પૈસા ભરવાની તૈયારી બચાવતા શખ્સે બેંક ઓફ બરોડાનો ખાતા નંબર આપ્યો હતો. જે ખાતુ પિંકી શુકલાના નામે હતુ. વૃદ્ધે પૈસા ટ્રાન્સ્ફર કર્યા બાદ બીજા 5 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. બાદમાં વધુ એક નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનાર શખ્સે તે કે.બી.સી.માંથી બોલે છે અને લોટરી લાગી છે તેમ કહી પૈસાની માંગણી કરી હતી. પૈસા નહિ ભરો તો ગવર્મેન્ટ ટેકસ તમારે ભરવો પડશે નહિ તો ક્રાઈમ બ્રાન્ચના માણસો આવી તમને લઈ જશે અને તમારી પાસેથી પૈસાની વસુલાત કરવામાં આવશે તેવી ધમકી આપી હતી જેને પગલે વૃદ્ધ ડરી ગયા હતા અને ફોન કરનારના જણાવ્યા મુજબ 12 જુલાઈ 2023ના રોજ રૂપિયા એક લાખ આદિત્યકુમાર નામના શખ્સના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કર્યા હતા. બાદમાં પણ શખ્સો વારંવાર ફોન કરીને પૈસાની માંગણી કરતા હોવાથી અંતે પરષોત્તમભાઈએ આ મામલે સાયબર ક્રાઈમમાં તેમજ નડિયાદ રૂરલ પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબર ધારકો સામે ટુકડે ટુકડે કરીને રૂપિયા 3,50,000/-પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.