જાંબુઘોડા, જાંબુઘોડા તાલુકાના ડુમા ગામે પડેલ ભારે વરસાદના પગલે ધસમસતા પાણીમાં ચેકડેમ ક્રોસ કરી રહેલ 24 વર્ષિય યુવકનો પગ લપસતા પાણીના ધસમસતા તેજ પ્રવાહમાં તણાઈ જતા મોત નીપજયું હતુ. સ્થાનિકોએ પાણી ઓસરતા તણાયેલા યુવાનની શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતુ અનુસાર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા સહિત સમગ્ર તાલુકામાં 6 ઈંચ ઉપરાંત વરસાદ વરસતા ગ્રામિણ વિસ્તારોમાં પણ જળબંબાકરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં જાંબુઘોડા તાલુકાના ડુમા ગામે વચલા ફળિયામાં રહેતો 24 વર્ષિય સુભાષભાઈ પુનમભાઈ નાયક ચાલુ વરસાદમાં કોઈ કામ અર્થે ખેતરે ગયા હતા. જયાં તેઓ ખેતરે પોતાનુ કામ પતાવી ધરે પરત ફરી રહ્યા હતા તે સમયે રસ્તામાં પાણી આવી જતા ચેકડેમ ઉપર પસાર થઈ રહ્યા હતા તે સમયે ચેકડેમ ઉપરથી પાણીના તેજ પ્રવાહમાં પગ લપસી જતા તણાયા હતા. અને આ ધટના બની તે સમયે આસપાસ કોઈ હાજર નહિ હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી તેઓ ધરે ન પહોંચતા ધરના સભ્યો દ્વારા આજુબાજુમાં તપાસ કરતા કોઈ પત્તો લાગ્યો ન હતો. જયાં ધરના સભ્યો દ્વારા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી જયાં પોલીસે તપાસ કરતા બીજા દિવસે કોતરમાંથી સુભાષભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે ડુમા ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો. પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.