જામનગરના સપડા ડેમમાં નાહવા પડેલા પાંચ લોકો ડૂબી જતા મોત.

  • જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાં રહેતા બે પરિવારના પાંચ લોકોના શનિવારે સપડા ડેમમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં 
  • એક જ પરિવારના ત્રણ લોકો સહિત પાંચના ડેમમાં ડૂબી જવાથી મોત
  • અંતિમયાત્રા નીકળતાં સમગ્ર વિસ્તારમાં આક્રંદ

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાં રહેતા બે પરિવારના પાંચ લોકોના શનિવારે સપડા ડેમમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં બાદ આજે તેમના રહેઠાણથી એકસાથે પાંચ લોકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે મૃતકોનાં પરિવારજનોએ આક્રંદ કરતા ઉપસ્થિતિ સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ હતી. શહેરના દિગ્વિજય પ્લોટમાં નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ મંગેએ થોડા દિવસો પહેલાં સેકન્ડ હેન્ડ કાર ખરીદી હોઇ શનિવારે તેમનાં પત્ની લીનાબેન, પુત્ર સિદ્ધ અને બે પાડોશીઓ સાથે જામનગર નજીક આવેલા સપડા ડેમ ફરવા ગયા હતા. અહીં તમામ પાંચેય લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા બે પરિવારો પર આભ ફાટ્યું હતું.

શહેરના દિગ્વિયજ પ્લોટ 59માંથી આજે બપોરે મહેશભાઈ મંગે, લીનાબેન મંગે, સિદ્ધ મંગે, અનિતાબેન દામા અને રાહુલ દામાની એકસાથે અંતિમયાત્રા નીકળી હતી. આ પહેલાં આ વિસ્તારમાં અંતિમદર્શન માટે તમામના પાર્થિવદેહ રાખવામાં આવ્યા હતા. મંગે અને દામા પરિવારના લોકોમાં ભારે આંક્રદ છવાયો હતો. આ સમયે ઉપસ્થિતિ સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ હતી. દિગ્વિજય પ્લોટ 59માંથી નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સિદ્ધ મહેશભાઈ મંગે મહેસાણા ખાતે એ્ન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને શુક્રવારે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો અને શનિવારે પરિવાર સાથે નજીકમાં જ આવેલા સપડા ડેમ ખાતે ફરવા ગયો હતો. મંગે પરિવારના ત્રણ સભ્યોની સાથે પાડોશમાં જ રહેતા દામા પરિવારનાં અનિતાબેન વિનોદભાઈ દામા અને તેમનો પુત્ર રાહુલ દામા પણ ગયાં હતાં. આ તમામ પાંચ લોકો સપડા ડેમમાં નાહવા પડ્યા બાદ ડૂબી જવાથી મોત નીપજ્યા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ મહેશભાઈ મંગે જામનગરમાં તેમના પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. પુત્ર પણ મહેસાણા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. જ્યારે તેમના બે ભાઈઓમાં એક ભાઈ જામનગરમાં અને એક ભાઈ અમદાવાદમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. શનિવારની દુર્ઘટનામાં મહેશભાઈ, તેમના પત્ની અને પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે દામા પરિવારમાં વિનોદભાઈને તેમના પત્ની અનિતાબેન અને પુત્ર રાહુલ વિલાપ કરતા છોડી ગયા છે.