તથ્ય પટેલની કરતૂતનું વધુ એક પ્રકરણ ખૂલ્યું : શાળામાં દારૂની બોટલ સાથે પકડાયો હતો.

અમદાવાદ,
તથ્ય પટેલ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. અમીર પિતાના બગડેલા દીકરાના કારનામા પરથી હવેથી ધીરે ધીરે પડદો ઉંચકાઈ રહ્યો છે. તથ્ય પટેલે ૨૧ વર્ષની ઉંમરે ૧૦ નિર્દોષોને ગાડીની અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યા. ત્યારે તથ્ય કેવો અઠંગ ખેલાડી છે તે સામે આવ્યું છે. નાની ઉંમરમાં જ તથ્ય પટેલ નશાખોરી કરવા લાગ્યો હતો. ધોરણ-૧૨ માં તે શાળામાં દારૂની બોટલ સાથે પકડાયો હતો અને શાળામાંથી કાઢી મૂકાયો હતો. ત્યારે પણ તેના પિતા પ્રજ્ઞેશ પટેલે તેને છાવર્યો હતો.
અમીર ખાનદાનના નબીરા તથ્ય પટેલની વધુ એક કરતૂતનો ભાંડો ખૂલ્યો છે.

તથ્ય પટેલ માટે ગુનો કરવો બહુ જ સરળ બાબત બની ગઈ છે. કારણ કે, તેને તેના પર પૈસાનો પાવર હતો, અને પિતાનું પીઠબળ હતું. આ કારણે તે નાની ઉંમરમાં જ ગુનાની દુનિયામાં ધકેલાઈ ગયો હતો. પિતા તેને દરેક બાબતો પર ઢાંકપિછોડો કરતા હોવાથી ક્યારેય તેની આ કરતૂતો બહાર આવી ન હતી. શરૂઆત તેની શાળઆના સમયથી જ થઈ હતી. તથ્યને નાની ઉમરથી જ નશાની આદત લાગી ગઈ હતી. ધોરણ ૧૨ માં ભણતો હતો ત્યારે તે દારૂની બોટલ સાથે પકડાયો હતો. એટલુ જ નહિ, સાબરમતી યુનિવસટીમાં પણ માત્ર નામ માટે ભણતો હતો. તે અઠંગ ગુલ્લેબાજ હતો. તેણે ક્યારેય કોઈ લેક્ચર એટેન્ટ કર્યા ન હતા. આ કારણે કોલેજ દ્વારા તેના પિતાને અનેકવાર નોટિસ ફટકારવામાં આવી પણ હતી. પરંતુ પૈસાના જોરે તેના પિતા બધુ કરી લેતા હતા.

આ જ કારણ છે કે, તથ્યને રાત્રિના સમયે પાર્ટીઓ અને ક્લબોનો ચસ્કો લાગ્યો હતો. તે મોડી રાત સુધી બહાર ફરતો હતો. મિત્રો સાથે પાર્ટીઓ કરતો હતો. તો સાથે સ્ટંટ કરીને બેફામ દારૂ પીને અકસ્માત પણ કરતો હતો. બેફામ ડ્રાઈવિંગ કરીને તેણે ૨૧ વર્ષની ઉંમરમાં ચાર અકસ્માત કર્યા છે. પરંતુ હવે તેને છાવરનારા પિતા ખુદ જેલની હવા ખાઈ રહ્યાં છે. પિતાપુત્ર હાલ બંને ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સાબરમતી જેલમાં છે.