ભુવનેશ્ર્વરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાંથી ભારતીય ક્રિકેટરને હટાવી દીધો છે.

મુંબઇ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્ર્વર કુમાર લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. ભુવનેશ્ર્વરે નવેમ્બર ૨૦૨૨માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ તે ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહોતો. ભુવનેશ્ર્વરે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં ફેરફાર કર્યો છે. આ કારણે સોશિયલ મીડિયા પર તેની નિવૃત્તિની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા ટ્વિટર હેન્ડલ્સે ભુવનેશ્ર્વરને લઈને નિવૃત્તિ સંબંધિત સવાલો ટ્વીટ કર્યા છે.

જોકે ભુવનેશ્ર્વરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાંથી ભારતીય ક્રિકેટરને હટાવી દીધો છે. તેના બદલે તેણે માત્ર ભારતીય લખ્યું છે. ભુવનેશ્ર્વરનો આ બદલાવ ચર્ચામાં આવ્યો છે. ટ્વિટર પર ઘણા યુઝર્સે ભુવીની નિવૃત્તિ વિશે ટ્વિટ કર્યું છે. જો કે ભુવનેશ્ર્વર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભુવી હવે ૩૩ વર્ષનો છે. પરંતુ તે જાન્યુઆરી ૨૦૨૨ પછી ભારતની વનડે ટીમમાં પરત ફરી શક્યો નથી. અને છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી ૨૦૧૮માં રમી હતી.
ઉલ્લેખનીય છે કે ભુવનેશ્ર્વર છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ બોલરોમાંથી એક છે. તેણે અત્યાર સુધી ૨૧ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે ૬૩ વિકેટ ઝડપી છે. આ દરમિયાન એક મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૯૬ રનમાં ૮ વિકેટ લેવાનું રહ્યું છે. ભુવનેશ્ર્વરે ૧૨૧ વનડેમાં ૧૪૧ વિકેટ લીધી છે. તેણે ૮૭ ટી૨૦ મેચમાં ૯૦ વિકેટ લીધી છે. ભુવનેશ્ર્વરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ અસરકારક પ્રદર્શન કર્યું છે. તેણે આઇપીએલની ૧૬૦ મેચમાં ૧૭૦ વિકેટ લીધી છે.