લંડન,
બ્રિટનમાં વંશીય ભેદભાવની બહુ મોટી અને ગંભીર વાત બહાર આવી છે. બ્રિટનના લેસ્ટરની ધ મૉન્ટફોર્ટ યુનિવસટીમાં એમ.ટૅક્. કરી રહેલા તમામ ૧૫૦ ભારતીય વિદ્યાર્થીને એક પેપરમાં નપાસ કરી દેવાયા હતા. કોર્સમાં સમાવિષ્ટ કુલ ૨૦૦માંથી પાસ થનારા તમામ ૫૦ વિદ્યાર્થી શ્ર્વેત છે. ભારતીય વિદ્યાર્થીઓ સાથે કોર્સમાં બેવડું વલણ અપનાવાઈ રહ્યાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો. મૉન્ટફોર્ટ યુનિવસટીએ હવે આ પેપર બંધ કરીને નવા પેપરમાં ભેળવ્યું છે.
નપાસ થનારા વિદ્યાર્થી બીજી વાર આ પેપર આપી નહીં શકે. પરીક્ષામાં નપાસ થવાથી આ વિદ્યાર્થીઓને ભારત પરત ફરવાનું જોખમ ઊભું થયું છે. આ તમામ વિદ્યાર્થી ભારતમાં બી.ટૅક્. પાસ કરીને બ્રિટન પહોંચ્યા હતા. એમટૅકના વિદ્યાર્થી સુરેશ કાતકે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે પ્રવેશ સમયે અપાયેલી જાહેરાતમાં યુનિવસટીએ પેપર વૈકલ્પિક તરીકે દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓએ અહીં ભણવાનું શરૂ કર્યું ત્યારે તેને ફરજિયાત ગણાવ્યું હતું.
ભારતીય વિદ્યાર્થીઓએ એમ.ટૅક્.ની ફી પેટે મૉન્ટફોર્ટ યુનિવસટીમાં અત્યાર સુધીમાં ૧૫ કરોડ રૂપિયા જમા કરાવી ચૂક્યા છે. લેસ્ટરના ભારતવંશી સાંસદ કીથ વાઝે ‘ભાસ્કર’ને કહ્યું કે આ મુદ્દો મૉન્ટફોર્ટ યુનિવસટી વહીવટીતંત્ર સમક્ષ મૂક્યો છે. વાઝનું કહેવું છે કે બ્રિટનમાં દર વર્ષે ભણવા આવનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની હોય છે પરંતુ દર વર્ષે અહીંની કેટલીક યુનિવસટી ભારતીય વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખે છે.
નામ ન આપવાની શરતે એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે પેપર મુદ્દે વિદ્યાર્થીઓએ સીએમએને ફરિયાદ કરી હતી. ‘સીએમએ’એ યુનિવસટીના આ પગલાને અયોગ્ય ઠેરવી ચૂકી છે. મૉન્ટફોર્ટની યુનિવસટીએ ભારતીય વિદ્યાર્થીઓને પાઠ ભણાવવા માટે નપાસ કર્યા છે. એમનો આરોપ છે કે પેપર તપાસનારા તમામ અંગ્રેજ હતા.