વોશિગ્ટન,
દુનિયાના સૌથી આધુનિક દેશમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે સવારે આવી જ એક ઘટનાએ આખા અમેરિકાના હચમચાવી દીધું છે, તાજેતરનો મામલો અમેરિકાના વૉશિંગટનનો છે, જ્યાં સિએટલમાં એક સુપરમાર્કેટની બહાર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતુ, જેમાં જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
અમેરિકામાં ગોળીબારની વધતી જતી ઘટનાઓ ચિંતાજનક છે. આવા કિસ્સા દર બીજા દિવસે જોવા મળે છે. જોકે સવાલ એ થાય છે કે અમેરિકામાં આવી ઘટનાઓ કેમ વધી છે. ખરેખરમાં, આની પાછળનું એક મુખ્ય કારણ દરેક ઘરમાં બંદૂકોની હાજરી છે. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં દરેક બીજા ઘરમાં બંદૂક હોય છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં દર ૧૦૦માંથી ૮૮ લોકો પાસે બંદૂક છે. આવામાં દરેક બાબત પર ફાયરિંગ કરવામાં આવે છે, જેના કારણે દરરોજ ફાયરિંગની ઘટનાઓ જોવા મળી રહી છે.
૧૮ જૂલાઈએ અમેરિકાના ઈન્ડિયાનામાં ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટનામાં ૧૦ લોકોને ગોળી વાગી હતી. જેમાંથી ૩ના મોત થયા હતા. ૧૧ જૂલાઈના રોજ કેલિફોનયાના દક્ષિણ ભાગમાં હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત ૫ લોકોને ગોળી વાગી હતી જેમાંથી ૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
૪ જુલાઈના રોજ અમેરિકામાં ૨૪૬મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન શિકાગો, ઇલિનોયના હાઇલેન્ડ પાર્કમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અચાનક ગોળીબાર શરૂ થયો, જેમાં ૬ લોકોના મોત થયા. બીજા જ દિવસે ૫ જુલાઈએ ઇન્ડિયાનાના બ્રેઇન્ડિયાના ગેરી વિસ્તારમાં ફાયરિંગને કારણે ૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
૧ જૂનના રોજ ઓક્લાહોમાના ટુલસામાં એક વ્યક્તિએ હોસ્પિટલની બિલ્ડિંગમાં ઘૂસીને ગોળીબાર કર્યો. આ ઘટનામાં ૪ લોકોના મોત થયા હતા. ગુનો કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા પણ કરી લીધી હતી. અમેરિકાના ટેક્સાસમાં ૧૫ મેના રોજ સૌથી ખતરનાક ઘટના બની હતી. ઉવાલ્ડે શહેરમાં એક ૧૮ વર્ષના છોકરાએ સ્કૂલમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો, જેમાં ૧૯ વિદ્યાર્થીઓ સહિત ૨૩ લોકોના મોત થયા હતા. આ હુમલામાં ૩ શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો.