દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યકત કરવામાં આવી

  • હાલ ગુજરાત પર વરસાદની કોઈ ચોક્કસ સિસ્ટમ નથી પરંતુ શીઅર ઝોનના કારણે વરસાદ મળી રહ્યો છે.

અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ૨૪ કલાક વરસાદનું જોર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં (સોરાષ્ટ્ર સિવાય) આગામી પાંચ દિવસના હવામાન અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. જે બાદ બીજા દિવસથી વરસાદમાં મોટો ઘટાડો નોંધાશે. જોકે, દક્ષિણ ગુજરાત તથા રાજ્યના પૂર્વ ભાગમાં હળવો વરસાદ રહી શકે છે. જોકે, આજના દિવસે આ ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકના હવામાન અંગે આગાહી કરીને હવામાન વિભાગ જણાવે છે કે, ઘણાં વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, આ (સમયગાળા) પછી કેટલાક ભાગોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.

ભારે વરસાદની સંભાવના આજના દિવસ માટે આપવામાં આવી છે તેમાં છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.

જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ તથા અમદાવાદ, ખેડા, આણંદ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. અમદાવાદ શહેરમાં વરસાદના કેટલાક સ્પેલ થવાની પણ સંભાવનાઓ છે.

હાલ ગુજરાત પર વરસાદની કોઈ ચોક્કસ સિસ્ટમ નથી પરંતુ શીઅર ઝોનના કારણે વરસાદ મળી રહ્યો છે. આ સાથે ગુજરાતના માછીમારોને પાંચ દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં ૪૫-૫૫ kmph ની ગતિ સાથે પવનો ફૂંકાશે અને દરિયમાં ભારે હલચલ જોવા મળી શકે છે.

નોંધનીય છે કે આગાહી દરમિયાન છોટાઉદેપુર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જોકે, હવે સાંજના ચાર વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે તેમાં દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગના જણાવાયા અનુસાર આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ ત્રાટકી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ મેઘાડંબર રહેશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડશે. ગાજવીજ અને તોફાની પવન સાથે ૨૮ જુલાઈએ નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદ પડશે.

નોંધનીય છે કે બે દિવસ અગાઉ જ હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં વરાપ નીકળે તેઓ અણસાર વ્યક્ત કરાઈ હતી. અને માત્ર છુટ્ટા છવાયા વરસાદ અંગે જ જણાવાયુ હતું. જોકે ત્યારબાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે ૫ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ૨૪ કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. મોન્સૂન સિસ્ટમને લઈને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ ૨૪ કલાકમાં અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે હવામાને આગાહી કરી છે કે, રાજ્યમાં ૨૪ કલાક બાદ ધીમે ધીમે વરસાદ ઘટશે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી ૮૫ ટકા ઉપર વરસાદ પડ્યો છે. જોકે ગઇકાલથી સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડને મેઘરાજાએ રીતસરનું ઘમરોળ્યું છે.