ભીમા કોરેગાંવ કેસના બે આરોપીઓને સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા જામીન, ૫ વર્ષ પછી આવશે જેલમાંથી બહાર

નવીદિલ્હી, ભીમાકોરેગાંવ હિંસા કેસના આરોપી વર્ષન ગોન્સાલ્વિસ અને અરુણ પરેરાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે આરોપો ગંભીર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે જામીન ન આપી શકાય. અમે જામીન પર યોગ્ય શરતો લાદવાની દરખાસ્ત કરીએ છીએ. અમે હાઈકોર્ટના આદેશને બાજુ પર રાખી બંનેને જામીન આપ્યા છે. યુએપીએ આરોપો હેઠળ ધરપકડ કરાયેલા આ બંને આરોપીઓની જામીન અરજી ઓક્ટોબર ૨૦૧૯માં બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ બંનેની ઓગસ્ટ ૨૦૧૮માં હિંસા ફેલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આ બંને તલોજા જેલમાં બંધ છે.

સુપ્રીમ કોર્ટે નરેશ ગોન્સાલ્વિસ અને અરુણ પરેરાને જામીન આપવા ઉપરાંત કડક શરતો પણ લગાવી છે. કોર્ટે કહ્યું કે આરોપી નીચલી કોર્ટના આદેશ વિના મહારાષ્ટ્રની બહાર નહીં જાય. સુપ્રીમ કોર્ટે આરોપીઓને તેમના પાસપોર્ટ સંબંધિત ઓથોરિટી પાસે જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

આ મામલો ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ પુણેમાં એક સંગઠનના કાર્યક્રમ સાથે સંબંધિત છે અને પુણે પોલીસનું કહેવું છે કે આ માટેના પૈસા માઓવાદીઓએ આપ્યા હતા. પોલીસનો આરોપ છે કે કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલા ઉશ્કેરણીજનક ભાષણોને કારણે બીજા દિવસે કોરેગાંવ-ભીમા યુદ્ધ સ્મારક પર હિંસા ફાટી નીકળી હતી.