સુરત પોલીસે વિદેશી કરન્સીનું બ્લેકમાં હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું, ત્રણે ઈસમોની ૧૯.૯૨ લાખની વિદેશી કરન્સી સાથે ધરપકડ

સુરત, સુરત શહેર પીસીબી અને એસઓજી પોલીસને ફોરેન કરન્સીની ગેરકાયદેસર હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ ત્રણ ઈસમો પાસેથી ૧૯,૯૨,૫૪૬ની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે. એટલે કે આંતરરાષ્ટ્રીય કરન્સીની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ સુરત પીસીબી અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે સુરત પીસીબી અને એસઓજીએ વધુ તપાસ માટે ઈડીને પણ જાણ કરવામાં આવી છે અને જે ૩ આરોપી પકડાયા છે તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તેઓ કેટલા સમયથી આ નેટવર્ક ચલાવી રહ્યા હતા.

સુરત પીસીબી અને એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે ફોરેન કરન્સીની ગેરકાયદેસર હેરાફેરી કરતાં ત્રણ ઇસમોને પકડવામાં આવ્યા છે. આ ત્રણે ઈસમો પાસેથી ૧૯,૯૨,૫૪૬ની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે.પીસીબી અને એસઓજી પોલીસ દ્વારા આ ત્રણેય ઈસમો પાસેથી સાઉદી અરેબિયા ૩૬૦૦૦ રિયાલ, ૨૫૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર, ૨ લાખ થાઈબાથ, ૪૯૦૦ અમેરિકન ડોલર, યુનાઇટેડ આરબ અમીરાંતના ૨૦૫ દિહાર્મ, ૧૦,૦૦૦ મેલેશિયા રીંગિટ કરન્સી જપ્ત કરાઈ. આ વિદેશી કરન્સીનું ભારતીય મૂલ્ય ૧૯,૯૨,૫૪૬ રૂપિયા થવા પામે છે.

પીસીબી અને એસઓજી પોલીસ દ્વારા જે ત્રણ ઈસમોને પકડવામાં આવ્યા છે તેમાં નીરવ શાહ, સૂરજ રાજપૂત અને મનોજકુમાર બારીયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઈસમો નવસારીના રહેવાસી છે અને રેલવે સ્ટેશન વિસ્તારમાંથી આ ત્રણેય ઝડપાયા છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, નિરવ શાહ નામનો ઈસમ મહીધરપુરામાં વાણીયા શેરીમાં નાકોડાના નામથી મની ચેન્જરનું કામ કરતો હતો. નિરવ શાહને વિદેશી ચલણ બદલવાની એન્ટ્રી પોતાના બેંક ખાતામાં ન બતાવી પડે એટલા માટે તે બ્લેકમાં વિદેશી ચલણ ઓછા ભાવે બદલી આપતો હતો. ઉપરાંત જે લોકોને વિદેશી ચલણ ની જરૂર હોય તેને નીરવ ઊંચા ભાવે આ વિદેશી ચલણ આપતો હતો. તો સાથે જ આરોપી નીરવ શાહ પકડાયેલા સુરજ રાજપુત અને મનોજકુમાર બારીયા સાથે મળીને અલગ અલગ લોકો પાસેથી વિદેશી ચલણ મેળવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઈસમો કેટલા સમયથી આ રેકેટ ચલાવતા હતા તે બાબતે ઊંડાણ પૂછપરછ પીસીબી અને એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા વિદેશી કરન્સીને લગતી વધુ તપાસ માટે ઈડીને આ બાબતે જાણ કરવામાં આવી છે.