નવસારીમાં પ્રતિબંધિત રોલિંગ પેપર, સ્મોકિંગ કોન સામે પોલીસની મોટી કાર્યવાહી, ૨૧ ગુના નોંધાયા

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પ્રતિબંધને અનુસરીને નવસારી જિલ્લા પોલીસે યુવાધનને નશાની લતથી બચાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાનના ગલ્લા, ચાની દુકાનો અને કરિયાણાના સ્ટોર્સમાં પ્રતિબંધિત રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ અને સંગ્રહ સામે પોલીસે સઘન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન ૨૧ ગુના નોંધીને જિલ્લાના વેપારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાત ગૃહ વિભાગે ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જાહેરનામું બહાર પાડીને રાજ્યભરમાં રોલિંગ પેપર, પ્રી-રોલ્ડ કોન્સ (ગોગો સ્મોકિંગ કોન) અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વિતરણ અને જાહેરાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આટફિશિયલ ડાઇ અને ક્લોરિન બ્લીચ જેવા હાનિકારક રસાયણો હોવાનું તથા તેનો દુરુપયોગ નશીલા પદાર્થો જેમ કે ગાંજા અને ચરસના સેવન માટે થતો હોવાનું જણાવાયું છે.

આ જાહેરનામું અમલમાં આવતાં જ નવસારી જિલ્લા પોલીસે ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પીઆઇ વી.જે. જાડેજા અને ર્જીંય્ની આગેવાની હેઠળ બાતમીદારોને સક્રિય કરીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું એલસીબી,એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમોએ નવસારી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાન પાર્લર, ચાની દુકાનો અને કરિયાણાના સ્ટોર્સ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન અનેક સ્થળોએથી પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામાનો ભંગ કરવા બદલ ૨૧ કેસ નોંધીને આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.