લુણાવાડામાં વહેલી સવારે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડતાં મહીસાગર પોલીસ ઊંઘતી ઝડપાઈ

લુણાવાડા,રાજસ્થાનની સરહદે આવેલ મહીસાગર જિલ્લામાં દારૂની ઘૂસણખોરી વારંવાર જોવા મળે છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં વહેલી સવાર થી જ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. જોકે, સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા લુણાવાડા તાલુકા વિસ્તારની બાતમીને આધારે તપાસ કરતા લુણાવાડાના વિરાણીયા ચોકડી પાસેથી એક કાર માંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટર સેલની રેડ થતા સ્થાનિક પોલીસ ક્યાંકને ક્યાંક ઊંઘતી ઝડપાઈ છે. જોકે, હાલ સ્ટેટ મોનીટરીંગ ગાંધીનગર સેલના દરોડા પાડતાની સાથે ટાઉન પોલીસ સહિત પીઆઈ ધેનુબેન ઠાકર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જોકે, વહેલી સવારે ગાંધીનગર સ્ટેટ સેલ દ્વારા વિરાણીયા ચોકડી પાસેથી એક કારમાંથી 20 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. તેમાં 4 લાખ 50 હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેની સાથે રોનકકુમાર રતનસિંહ બારીયા ઉંમર 23 ગામ રતનપુર ગોધરાની વધુ તપાસ કરતા તેના દ્વારા અન્ય ત્રણ ઈસમો જે દારૂની હેરાફેરી કરતા જેઓના નામ ખુલ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ચાલુ વર્ષમાં 20 થી 25 જગ્યાએ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા દરોડ પાડવામાં આવતા મહીસાગર જિલ્લા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. જોકે, લુણાવાડા તાલુકામાંજ પાંચ થી છ જેટલી જગ્યાએ સ્ટેટ સેલ દ્વારા દારૂ જૂગાર સહિત અનેક ગુનાહિત પ્રવૃતિ પર દરોડા થયા હોવા છતાં સ્થાનિક પોલીસ પર કોઈ કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.