લખનૌ, ઉત્તર પ્રદેશની તાજનગરી આગ્રા પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરી છે. અહીં સીએમએ જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મનકામેશ્ર્વર મંદિર સ્ટેશન કરી દીધું. જણાવી દઈએ કે નામ બદલવાની માગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. મેટ્રો પ્રોજેક્ટના મેનેજિંગ ડિરેક્ટર સુશીલ કુમારે કહ્યું કે સરકાર જે નામ ઈચ્છશે તે રાખવામાં આવશે. આગરામાં સીએમ યોગીએ કહ્યું કે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન હવે મનકામેશ્ર્વર મંદિર તરીકે ઓળખાશે. આ સાથે મેટ્રો સ્ટેશનનું નામ બદલવાની લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો હતો.
હકીક્તમાં સીએમ યોગી આગ્રા અને મથુરા જિલ્લાના પ્રવાસે હતા. તે પહેલા મથુરા અને પછી આગ્રા પહોંચ્યા. આ દરમિયાન તેમણે તાજ ઈસ્ટ ગેટના મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. રિપોર્ટ્સ અનુસાર, આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. તેની ટ્રાયલ પહેલા પણ થઈ ચૂકી છે પરંતુ તેની સ્પીડ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક હતી.
બીજી તરફ હાઈસ્પીડ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન પણ બુધવારે કરવામાં આવ્યું હતું. સીએમ યોગીએ જણાવ્યું કે આ આગ્રા મેટ્રો ઓગસ્ટ ૨૦૨૪માં દોડવાની હતી. તેમણે કહ્યું કે કામની ગતિ ઝડપી છે, જેના કારણે હવે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં જ મેટ્રો શરૂ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ત્રણ એલિવેટેડ સ્ટેશન પણ પૂર્ણ થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે ૬ કિલોમીટર (તાજ ઈસ્ટ ગેટથી મનકામેશ્ર્વર મંદિર સ્ટેશન સુધી)માં ત્રણ એલિવેટેડ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. સાથે જ મેટ્રો ટ્રેનની ટ્રાયલ પણ કરવામાં આવી છે. સીએમ યોગીએ કહ્યું કે આગ્રાના રહેવાસીઓ અને અહીં આવતા પ્રવાસીઓ માટે આ પીએમ મોદીની ભેટ છે.