મહીસાગર જીલ્લાના ડીટવાસ ખાતે બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી તેમજ પ્રાક્રતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ સંપન્ન

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ગામ આજ રોજ બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય ખેડૂત તાલીમ-શિબિર (કિસાન ગોષ્ઠી)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં કડાણા તાલુકાના આસપાસના વિસ્તારમાંથી ૮૦થી પણ વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન મદદનીશ બાગાયત નિયામક મનોજ આર. ટાક દ્વારા બાગાયતી પાક વિષયક વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે ઓઇલ પામ પાર્કનું મહત્વ, યોગ્ય જમીન અને હવામાનની પસંદગી, ગુણવત્તાયુક્ત રોપાઓનું વાવેતર, ખાતર અને સિંચાઈ વ્યવસ્થાપન, જીવાત-રોગ નિયંત્રણ, પાકની જાળવણી તેમજ સમયસર કાપણીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને માર્કેટિંગ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું તથા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત, બાગાયત અધિકારી નરેન્દ્ર જોશિયારા દ્વારા ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ તથા ઓઇલ પામની ખેતીથી લાંબા ગાળે વધુ આવક મેળવવાની તકો અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

મદદનીંશ ખેતી નિયામક મહેશભાઈ પટેલ દ્વારા આ ખેડૂત શિબિરમાં ખેતી સબબની સહાય યોજનાઓ વિષયક સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત, વિસ્તરણ અધિકારી જગદીશ શર્મા તેમજ પ્રગતિશીલ ખેડૂત કાળુંભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ખેડૂતોને આધુનિક, વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાની આવકમાં વધારો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા