દેશભરમાં કોરોના કેસોમાં સતત વધારો થતાં હોસ્પિટલોમાં પણ ઓક્સિજનનો અભાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભારતીય રેલ્વેએ ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવાની યોજના બનાવી છે. યોજના અંતર્ગત ભારતીય રેલ્વે આગામી કેટલાક દિવસોમાં પ્રવાહી તબીબી ઓક્સિજન અને ઓક્સિજન સિલિન્ડરોનું પરિવહન કરશે.
એક અધિકારીએ જણાવ્યું કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની રાજ્ય સરકારોએ પ્રવાહી તબીબી ઓક્સિજન માટે રેલ્વે મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. બંને રાજ્ય સરકારોએ રેલવે મંત્રાલયને પૂછ્યું હતું કે શું ટેન્કરોની મદદથી રેલ નેટવર્ક દ્વારા પ્રવાહી તબીબી ઓક્સિજન ટ્રાન્સફર કરી શકાય છે. રેલવેએ જણાવ્યું હતું કે સોમવારથી ખાલી ટેન્કર મહારાષ્ટ્રથી રવાના થશે અને વિઝાગ, જમશેદપુર, રાઉરકેલા, બોકારોથી ઓક્સિજન લેશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપને કારણે 1,501 લોકોનાં મોત નીપજ્યાં છે. ઉપરાંત 2 લાખ 61 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે, જે પાછલા દિવસના 2.34 લાખ કરતા લગભગ 11.5 ટકા વધારે છે. સક્રિય કેસની કુલ સંખ્યા 18,01,316 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,28,09,643 છે.