- સંસદીય ઈતિહાસમાં પહેલો અવિશ્ર્વાસ પ્રસ્તાવ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના કાર્યકાળમાં આવ્યો હતો.
નવીદિલ્હી, કોંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)એ બુધવારે મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે લોક્સભામાં નો-કોન્ફિડન્સ મોશનની દરખાસ્ત માગતી નોટિસ સબમિટ કરી હતી. સરકાર સામેની અવિશ્ર્વાસની દરખાસ્ત સ્વીકારવામાં આવી હતી. સ્પીકર હવે ટૂંક સમયમાં ચર્ચાની તારીખ જાહેર કરશે.
ભારત રાષ્ટ્ર સમિતિ ફ્લોર લીડર નાગેશ્ર્વર રાવ દ્વારા અવિશ્ર્વાસ પ્રસ્તાવ માટે એક અલગ નોટિસ સ્પીકરને સબમિટ કરવામાં આવી હતી. બીઆરએસનું નેતૃત્વ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ કરી રહ્યા છે. અવિશ્ર્વાસની દરખાસ્ત વિપક્ષને ગૃહના ફ્લોર પર સરકારની બહુમતીને પડકારવાની મંજૂરી આપે છે, અને જો દરખાસ્ત પસાર થાય છે, તો સરકારે રાજીનામું આપવું પડશે.
સંસદીય પ્રણાલીમાં નિયમ ૧૯૮ અંતર્ગત આ વ્યવસ્થા આપવામાં આવી છે કે કોઈ પણ સાંસદ સરકાર વિરુદ્ધ અવિશ્ર્વાસ પ્રસ્તાવની નોટિસ લોક્સભા અધ્યક્ષને આપી શકે છે. આવી જ વ્યવસ્થા રાજ્યોમાં વિધાનસભામાં આપવામાં આવી છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર વિરુદ્ધ અવિશ્ર્વાસ પ્રસ્તાવ પાસ થવાનો અર્થ છે કે હવે મંત્રી પરિષદે ગૃહમાં પોતાનો વિશ્ર્વાસ ગુમાવી દીધો છે. ગૃહમાં બહુમતી તેમના પક્ષમાં નથી. આવી સ્થિતિમાં સરકાર પડી શકે છે. વડાપ્રધાન કે મુખ્યમંત્રીએ પોતાની સમગ્ર કેબિનેટ સાથે રાજીનામું આપવું પડે છે.
સંસદીય કાર્યવાહીમાં એવી વ્યવસ્થા છે કે કોઈ પણ સરકાર વિરુદ્ધ અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવવા માટે ૫૦ સાંસદોના હસ્તાક્ષરવાળી કોપી લોક્સભા અધ્યક્ષ ને આપવામાં આવે છે. સાંસદોના હસ્તાક્ષરથી યુક્ત અવિશ્ર્વાસ પ્રસ્તાવ સવારે ૧૦ વાગ્યા સુધીમાં સ્પીકરની પાસે પહોંચવી જરૂરી છે. જો ૧૦ વાગ્યા પછી આ પ્રસ્તાવ સ્પીકર પાસે પહોંચે છે તો તેઓ બીજા દિવસે આ અંગે વિચાર કરી શકે છે.
જો અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ૫૦ સાંસદોનું સમર્થન નથી તો તેના પર સ્પીકર વિચાર નથી કરતા. જો ૫૦ સાંસદોનું સમર્થન મળી જાય તો પછી સ્પીકરે ૧૦ દિવસની અંદર ગૃહની બેઠક બોલાવીને અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરાવવાની રહે છે. આ ચર્ચા દરમિયાન પક્ષ અને વિપક્ષ બંને ગૃહમાં પોતાની વાત રાખે છે. ખાસ વાત એ છે કે તેમાં વડાપ્રધાને ગૃહમાં ચર્ચાનો જવાબ આપવો પડે છે.
સંસદીય ઈતિહાસમાં અત્યાર સુધીમાં ૨૭ વખત અવિશ્ર્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જેમાંથી ત્રણ વખત સરકાર પડી છે અને વડાપ્રધાનને રાજીનામું આપવું પડ્યું છે. પૂરવ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને સૌથી વધુ ૧૫ વખત અવિશ્ર્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો પરંતુ દરેક વખતે તેઓ પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યાં હતા. અટલ બિહારી વાજપેયી, એચડી દેવેગૌડા અને વીપી સિંહની સરકાર અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં હાર્યા હતા. પરિણામે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
સંસદીય ઈતિહાસમાં પહેલો અવિશ્ર્વાસ પ્રસ્તાવ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના કાર્યકાળમાં આવ્યો હતો. ૧૯૬૩માં જેબી કૃપલાનીએ આ પ્રસ્તાવ રાખ્યો હતો. તે સમયે નહેરુની સરકાર ગૃહમાં જીતી ગી હતી. અવિશ્ર્વાસ પ્રસ્તાવના પક્ષમાં ૬૨ અને વિરોધમાં ૩૪૭ વોટ પડ્યા હતા.