- હિમાચલના કુલુમાં વાદળ ફાટતા વ્યાપક તારાજી: કર્ણાટકમાં મેઘપ્રકોપ-શૈક્ષણીક સંસ્થાનો બંધ: આંધ્ર, ઓડીશા, મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ
નવીદિલ્હી, ગુજરાત ભારે વરસાદમાં ધમરોળાયા બાદ હવે દેશના પાટનગર તથા દક્ષિણનાં રાજયોનો વારો લીધો હોય તેમ દિલ્હી-એનસીઆર, હિમાચલ, કર્ણાટક, ઓડીશા, આંધ્રપ્રદેશ જેવા રાજયોમાં મેઘપ્રકોપ સર્જાવા સાથે જળબંબાકારની હાલત ઉભી થઈ છે.હિમાચલમાં વાદલ ફાટતા વ્યાપક નુકશાની છે.દિલ્હી-કર્ણાટક જેવા રાજયોમાં પુરની ચેતવણી વચ્ચે રજા જાહેર કરી દેવામાં આવી છે.
દિલ્હી-એનસીઆરમાં કેટલાંક દિવસોથી વરસાદી વિરામ બાદ આજે દિવસે અંધકાર વચ્ચે ભારે વરસાદ નોંધાયો હતો.તેને પરિણામે ઠેકઠેકાણે જળબંબાકારની હાલત સર્જાઈ હતી. લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. વાહન ચલાવવામાં પણ મુશ્કેલી થતી હતી. હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝીયાબાદ, રાપૂડ, બુલંદ શહેરમાં પણ વરસાદની રેલમછેલ રહી હતી. ચારેકોર પાણી-પાણીની હાલત હતી. નીચાણવાળા ભાગોમાં મકાનો-દુકાનોમાં પાણી ઘુસતા લોકો બહાર ન નિકળી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વધુ એક વાદળ ફાટવાની ઘટના બની હતી. જેને પગલે અન્ય મકાનો તથા કૃષિક્ષેત્રને નુકશાન થયુ હતું આજે સવારે ગડસા વેલીમાં વાદળ ફાટયુ હતું. ૨૩ પરિવારોને રેસ્કયુ કરાયા હતા.પાંચ મકાનો જમીનદોસ્ત થયા હતા. દક્ષિણના રાજયોમાં ઓડીશામાં ૨૭ મી સુધી ભારે વરસાદની ચેતવણી વચ્ચે માછીમારોને દરીયો નહિં ખુંદવાની સુચના આપવામાં આવી છે.
આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. કર્ણાટકમાં મેઘરાજાનો કહેર હોય તેમ મોટાભાગનાં જીલ્લાઓમાં જળભરાવની હાલત હતી. જળાશયોમાં નવા પાણીની ભારે આવક હતી જુદી જુદી દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા.કેટલીક નદી ખતરાની સપાટીએ પહોંચતા તંત્ર સાવધ બન્યુ હતું. મુખ્યમંત્રી સિદ્ધાર મૈયાએ તમામ મંત્રીઓને પ્રભાવીત ક્ષેત્રોમાં જવાની સુચના આપી હતી. હૈદરાબાદ માટે રેડએલર્ટ વચ્ચે સ્કુલ-કોલેજોમાં બ દિવસની રજા જાહેર કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં પણ વરસાદી પ્રકોપ હોય તેમ રાયગઢ જીલ્લામાં અતિભારે વરસાદનું રેડએલર્ટ જાહેર કરાતા સ્કુલોમાં રજા ઘોષિત કરી દેવામાં આવી હતી. દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આવતા ત્રણ દિવસ માટે દેશના ૨૨ રાજયોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વીય ગુજરાત, કોંકણ ગોવા,તેલંગાણા આંધ્રપ્રદેશ, પંજાબ, હરીયાણા, ચંદીગઢ, વગેરેનો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદીઓ બાદ હવે હિંડન નદીના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. તેનું પાણી નોઈડાના રસ્તાઓ પર ફરી વળ્યું હતું. ડૂબતી કારના વીડિયો વાયરલ થવા લાગ્યા છે. પાણી ઓળંગીને લોકોને ઓફિસ જવા માટે મજબૂર થઇ રહ્યા છે. હિંડન નદીમાં પૂર આવતા નોઈડાના ઈકોટેક ૩ વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. અહીં ૫૦૦ જેટલી કાર તરવા લાગી હતી. લોકો માટે રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું હતું. ગૌતમ બુદ્ધ નગરના ડીએમ મનીષ કુમાર વર્માએ જણાવ્યું કે હિંડન નદીનું જળસ્તર વધી રહ્યું છે. હિંડન બેરેજ પર ભયજનક સપાટી ૨૦૫.૮ છે. જ્યારે સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ હાલમાં તે ૨૦૧.૫ છે. પૂર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. તેને જોતા બચાવ કામગીરી ચાલી રહી છે.
હિંડન નદીમાં વહેણને કારણે નોઈડાના નીચેના ભાગો પાણીમાં ડૂબી ગયા છે. છેલ્લા ૩ દિવસથી હિંડન નદીનું જળસ્તર વધ્યું છે. લોકોને નદીના કાંઠેથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાહનોના ડૂબવાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે એક ગામનો છે, જ્યાં ખાનગી કેબ કંપનીના યાર્ડમાં ક્ષતિગ્રસ્ત વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.
એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઘણા વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળે છે. આ વીડિયો ડરામણો છે. પાણી ભરાવાને કારણે અડધા વાહનો દેખાતા નથી. વીડિયોના અંતમાં પોલીસ ટીમ પણ જોવા મળી રહી છે. ગ્રામજનો કહે છે, બધે પાણી છે. ક્યાંક ૧૦ ફૂટ સુધી તો ક્યાંક ૧૫ ફૂટ સુધી પાણી છે. સ્થિતિ ઘણી ખરાબ છે. તેમના ઘરે જવા માટે પણ સ્થિતિ યોગ્ય નથી. ઘરમાં જે હતું તે બધું ડૂબી ગયું હતું