શિમલાના રામપુરમાં ૨ વખત વાદળ ફાટ્યું, અનેક ઘરો ધોવાઈ ગયા, બગીચાને નુક્સાન, ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

શિમલા,શિમલા જિલ્લાના રામપુર સબ-ડિવિઝનના સરપારા પંચાયતના કંદહાર ગામમાં મોડી રાત્રે બે વાદળ ફાટવાના કારણે સફરજનના બગીચા અને ઘરોને નુક્સાન થયું છે. અનેક ઘરો ધોવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, રામપુર સબ ડિવિઝનના સરપારા પંચાયતના કંધાર ગામમાં બે વાદળ ફાટવાના કારણે સફરજનના બગીચા અને મકાનોને નુક્સાન થયું છે. પૂરના કારણે પ્રાથમિક શાળાની ઇમારત, યુથ ક્લબની ઇમારત અને અન્ય લોકોના મકાનો ધોવાઇ ગયા છે.

આ ઉપરાંત ગાય, બળદ, ઘેટા-બકરા પણ પૂરમાં વહી ગયા હતા. સાથે જ અનેક સફરજનના બગીચાઓમાં પાણી ભરાઈ ગયા છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે ૧૧ વાગ્યે અચાનક વાદળ ફાટ્યું હતું અને લોકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો પરંતુ ઘરો અને બગીચાઓને ભારે નુક્સાન થયું હતું.

આ પછી ફરી ત્રણ વાગ્યે વાદળ ફાટવાના કારણે આવેલા પૂરે તબાહી સર્જી હતી. સરપારા પંચાયતના વડા મોહન કપાટિયાએ જણાવ્યું કે સરપારા પંચાયતના કંધાર ગામમાં વાદળ ફાટ્યું હતું. તેમણે કહ્યું કે સરપરા ગામનો સંપર્ક દેશ અને દુનિયાથી કપાઈ ગયો છે. તેમણે વહીવટીતંત્ર પાસે માંગણી કરી છે કે ઘટનાસ્થળે પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત આપવામાં આવે.

આ પહેલા સોમવાર રાતથી હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કુલ્લુ જિલ્લાની ગડસા ખીણમાં મંગળવારે સવારે ૪:૦૦ વાગ્યે વાદળ ફાટવાને કારણે પાંચા નાલા અને હુર્લા નાલા ડૂબી ગયા હતા. જેના કારણે ત્રણ મકાનો ધોવાઈ ગયા હતા, જ્યારે બે મકાનોને ભારે નુક્સાન થયું હતું.૧૭ મકાનોને આંશિક નુક્સાન થયું છે. ત્રણ રાહદારી અને એક મોટરેબલ બ્રિજ પણ ધોવાઈ ગયો છે. ગડસા ખાડમાં એક વાહન પણ વહી ગયું હતું. કેટલાક ઢોર ગુમ છે. ભુંતર-ગડસા મણિયાર રોડને ઘણી જગ્યાએ નુક્સાન થયું છે.

હવામાન કેન્દ્ર શિમલાએ ગુરુવાર માટે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવારે યલો એલર્ટ છે. રાજ્યમાં ૩૧ જુલાઈ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. રાજધાની શિમલામાં મંગળવારે હવામાન સ્વચ્છ રહ્યું હતું. તે જ સમયે, સોમવારે રાત્રે ધર્મશાળામાં ૮૦.૨ મીમી, પાલમપુરમાં ૫૦.૬ મીમી અને જોગીન્દરનગરમાં ૨૬.૦ મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં હજુ પણ ૫૦૦થી વધુ રસ્તાઓ અટવાયેલા છે. સેંકડો પાણી પુરવઠા યોજનાઓ અને વીજ ટ્રાન્સફોર્મર પણ ખોરવાયા છે. ચંબા, કાંગડા, સિરમૌર, શિમલા, બિલાસપુર, હમીરપુર, કુલ્લુ, મંડી અને કિન્નૌર જિલ્લામાં આગામી ૨૪ કલાક માટે પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. લોકોને નદી-નાળાના કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.ભારે વરસાદની ચેતવણીને યાનમાં રાખીને, રામપુર બુશહર, જુબ્બલ, કોટખાઈ, રોહરુ, ચૌપાલ અને થિયોગ સબડિવિઝન હેઠળની તમામ સરકારી અને ખાનગી શાળાઓને ૨૮ જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.