હરિદ્વાર કુંભ અંગેની પીએમ મોદીની અપીલ બાદ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદે જુના અખાડા તરફથી કુંભના વિધિવત સમાપનની જાહેરાત કરી છે.
- સ્વામી અવધેશાનંદે કુંભની વિધિવત સમાપ્તિની કરી જાહેરાત
- લોકોના જીવનની રક્ષા કરવી અમારી પહેલી પ્રાથમિકતા-સ્વામી અવધેશાનંદ
- પીએમ મોદીએ કુંભને સીમિત રાખવાની કરી હતી અપીલ
- સ્વામી અવધેશાનંદે પીએમ મોદીને અપીલને માન આપ્યું
અવધેશાનંદ ગિરિએ ટ્વિટ કરીને જાણકારી આપી કે ભારતના લોકો અને તેમના જીવનની રક્ષા કરવી અમારી પહેલી પ્રાથમિકતા છે. કોરોના મહામારીના વધી રહેલા પ્રકોપને ધ્યાન રાખીને અમે વિધિવત રીતે કુંભના સમાપનની જાહેરાત કરીએ છીએ. અમે કુંભના તમામ દેવતાઓને વિસર્જિત કરી દીધા છે.
જુના અખાડા તરફથી આ કુંભની સત્તાવાર સમાપ્તિ
જુના અખાડા તરફથી આ કુંભની સત્તાવાર સમાપ્તિ કરી દેવાઈ છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને સાધુ-સંતોને અપીલ કરી છે ત્યારે તેમના ટ્વિટ બાદ સ્વામી અવધેશાનંદે તેમની અપીલને સ્વીકારી છે. પ્રધાનમંત્રીએ કુંભને પ્રતિકાત્મક રાખવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મેં પ્રાર્થના કરી છે કે 2 શાહી સ્નાન થઇ ચૂક્યા છે અને હવે કુંભને કોરોના સંકટને લઇને પ્રતિકાત્મક રાખવામાં આવે. આનાથી આ સંકટથી લડાઈને એક તાકાત મળશે.વધુ એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોના સ્વાસ્થ્યના હાલ જાણ્યા. તમામ સંતગણ તંત્રને તમામ પ્રકારનો સહયોગ કરી રહ્યા છે. મેં એટલા માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો.
પીએમ મોદીના આહ્વાનનું સન્માનઃ સ્વામી અવધેશાનંદ
પીએમ મોદીના આગ્રહ પર સ્વામી અવધેશાનંદે કહ્યું કે, અમે પીએમ મોદીના આહ્વાનનું સન્માન કરીએ છીએ. જીવનની રક્ષા મહત્વપૂર્ણ છે, કોરોનાની પરિસ્થિતિને જોતા ભારે સંખ્યામાં સ્નાન કરવા ન આવે લોકો, નિયમોનું કરે પાલન.કોરોનાના કેસ વધતા ગઇકાલે નિરંજની અખાડાએ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી હતી. આનંદ અખાડાએ પણ કુંભ મેળાની સમાપ્તિની જાહેરાત કરી હતી. તો બીજી તરફ ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવત હાઇલેવલ મીટિંગ યોજી હતી.
કુંભમાં 5 દિવસમાં 1701 લોકો કોરોના પોઝિટીવ
વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા કુંભમાં 5 દિવસમાં 1701 લોકો કોરોના પોઝિટીવ નીકળતા સરકાર અને વહિવટીતંત્રની ચિંતા વધી છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો હજુ પણ બીજા ઘણા લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે. હરિદ્વાર ચીફ મેડિકલ ઓફિસર શંભુ કુમાર ઝાએ જણાવ્યું કે અમને શંકા છે કે કુંભમેળામાં સંક્રમિતોની સંખ્યા 2,000 જેટલી થઈ શકે છે. તેમણે કહ્યું કે હરિદ્વારથી દેવપ્રયાગ સુધીના આખા કુંભમેળામાં પાંચ દિવસમાં થયેલા આરટી-પીસીઆર અને રેપિડ એન્ટીજન ટેસ્ટ દરમિયાન આ લોકોની સંખ્યા જાણવા મળી હતી. તેમણે કહ્યું કે હજું આરટી-પીસીઆરના બીજા રિપોર્ટ આવવાના બાકી છે અને તેથી સંક્રમિતોની સંખ્યા 2000 ને પાર જઈ શકે છે. 2010ના કુંભમેળામાં હતું તેટલા જ ક્ષેત્રફળમાં આ વખતે પણ કુંભમેળો યોજવામાં આવશે. આ ઉપરાંત મંશા દેવી ટેકરી બાય-પાસ માર્ગનો ઉપયોગ કરવા અને આંતરિક રસ્તાઓના નિર્માણ કરીને ઝડપી બનાવવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા.