દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના પીછોડા ગામે થયેલ જમીન સંબંધી ઝઘડામાં ચાર જણાને લાકડી તથા ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપ્યાનું જાણવા મળ્યું છે.
પીછોડા ગામના નાળ ફળિયામાં રહેતા 62 વર્ષીય ભીમસીંગભાઈ વીરસીંગભાઈ બારીયા તથા મહેશભાઈ સરકારી પડતર જમીનમાં તેઓ ખેતી કરતા હોય ચાલુ વર્ષે ખેતી કરવા માટે સુઢીયાના બીયારણની વાવણી કરવા જતાં તેમના ફળિયાના રામજીભાઈ સાયબાભાઈ બારીયાએ આવી આ જમીન અમારા ઘર પાસે આવેલ છે અને તમે કેમ ખેડો છો ? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાંની લાકડી ભીમસીંગભાઈ વીરસીંગભાઈ બારીયાને માથાના ભાગે તેમજ ડાબા હાથ પર મારી ઈજા પહોંચાડી હતી અને છોડાવવા વચ્ચે પડેલ મહેશભાઈને કમલેશભાઈ આરતભાઈ બારીયાએ માથામાં લાકડી મારી ઈજા પહોંચાડી હતી. તેમજ દીલીપકુમાર રામજીભાઈ બારીયાએ નરવતભાઈને ડાબા હાથે લાકડી મારી ઈજા પહોંચાડી હતી જ્યારે રામજીભાઈ સામળાભાઈ બારીયાએ નાનાભાઈને ડાબા હાથે લાકડી મારી ઈજા પહોંચાડી હતી તેમજ જુવાનસીંગ સરદારભાઈ બારીયાએ ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.
આ સંબંધે પીછોડા ગામના નાળ ફળિયામાં રહેતા ઈજાગ્રસ્ત ભીમસીંગભાઈ વીરસીંગભાઈએ તેના જ ફળિયામાં રહેતા રામજીભાઈ સાયબાભાઈ બારીયા, દિલીપકુમાર રામજીભાઈ બારીયા, જુવાનસીંગભાઈ સરદારભાઈ બારીયા તથા કમલેશભાઈ આરતભાઈ બારીયા વિરૂધ્ધ સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપિકો કલમ 323, 324, 504, 506(2), 114 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.