દાહોદ, વડોદરા તેમજ પંચમહાલ જીલ્લામાં છ જેટલી ઘર પર ચોરીઓમાં સામેલ વોન્ટેડ આરોપીને દાહોદ એલસીબી પોલીસે લીમખેડાના ચીલાકોટાથી ઝડપી જેલભેગો કર્યો.
વડોદરા તેમજ પંચમહાલ જીલ્લામાં છેલ્લા દોઢ વર્ષના સમયગાળા દરમિયાન છ જુદી જુદી ઘર પર ચોરીઓને અંજામ આપી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહેલા ઘરફોડ ચોરને દાહોદ એલસીબી પોલીસે લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામેથી ઝડપી જેલ ભેગો કર્યો હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ એલસીબી પોલીસ હાલ શ્રાવણનો મહિનો ચાલતો હોવાથી સ્પેશલ દારૂ જુગારની સ્પેશિયલ ડ્રાઇવમાં પેટ્રોલિંગમાં લીમખેડા બાજુ નીકળી હતી. તે સમયે એલસીબીના પી.આઈ. કે.વી. ડીંડોરને બાતમી મળી હતી કે, લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામનાં બ્રુસકા ફળિયાનો કમલેશ નવલસિંહ તડવી જે છેલ્લા દોઢ વર્ષના સમયગાળા દરમિયાન વડોદરા શહેર તેમજ વડોદરા ગ્રામ્યના બે ઘરફોડ ચોરી તેમજ પંચમહાલ જીલ્લાના હાલોલ શહેરમાં બે મળી કુલ છ જેટલી ઘર પર ચોરીઓમાં સંડોવાયેલો અને છેલ્લા દોઢ વર્ષથી પોલીસને ચકમો આપવામાં સફળ રહેલો કમલેશ તડવી પોતાના ઘરે આવેલો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે કમલેશ તડવીના ઘરે દરોડો પાડી તેણે ઘરેથી ઝડપી લીધો હતો. એલસીબી પોલીસના હાથે ઝડપાયેલો કમલેશ તડવી વડોદરા તેમજ પંચમહાલમાં મળી કુલ છ ઘરફોડ ચોરીઓમાં સામેલ હોવાનું સામે આવતા એલસીબી પોલીસે બંને પોલીસ મથકોમાં આ અંગેની જાણ કરી પકડાયેલા કમલેશ તડવીને જેલભેગો કર્યો હતો.