હાલોલ સ્ટેશન રોડ ખાતે આવેલ આંગડીયા પેઢીમાં તસ્કરો દ્વારા 5 લાખની ચોરી

હાલોલ, હાલોલ સ્ટેશન રોડના સાંઈ મંદિર પાસે આવેલ આંગડીયા પેઢીને તસ્કરોએ મોડીરાતે નિશાન બનાવી તિજોરી તોડી પાંચ લાખની રોકડની ચોરી કરી સીસીટીવીનુ ડીવીઆર લઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. તિજોરીના સાઈડના ખાનામાં 20 લાખની રોકડ હોવાનુ તસ્કરોને ઘ્યાને ન આવતા તે રૂપિયાનો આબાદ બચાવ થયો હતો. બનાવની પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી.

વડોદરા પાણીગેટ વિસ્તારમાં આવેલ ઉઘોગનગર સોસાયટીમાં રહેતા અને હાલોલ સ્ટેશન રોડ પર આર.કે.એન્ટરપ્રાઈઝ નામે આંગડીયા પેઢી ચલાવતા રમેશભાઈ પ્રજાપતિ સોમવારે રાતે ઓફિસની તિજોરીમાં 25 લાખ રૂપિયાની રોકડ મુકી લોક મારી ધરે ગયા હતા. અને મંગળવારે સવારે ઓફિસ આવી જોતા દરવાજાનુ લોક તુટેલુ જોતા રમેશભાઈને ધ્રાસ્કો પડ્યો હતો. ઓફિસમાં મુકેલી તિજોરીનો દરવાજો નીચે પડેલ હતો. તસ્કરી તિજોરીનો દરવાજો કાપવા સાથે મીની ગેસ વેલ્ડિંગ મશીન લઈને આવ્યા હતા. તિજોરીમાં ચેક કરતા ઉપરના ખાનામાં મુકેલ પાંચ લાખ જેટલી રકમ ચોરાઈ હતી. જયારે સાઈડના ખાનામાં મુકેલ 20 લાખની રોકડ હેમખેમ જોતા રમેશભાઈએ હાશકારો અનુભવ્યો હતો. તસ્કરો પ્રોફેશનલ હોય પોતાની ઓળખ ન થાય તે માટે ઓફિસમાં લાગેલ સીસીટીવીનુ ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. ધટનાની જાણ થતાં પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો દોડી આવી આસપાસના સીસીટીવી ચકાસી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.