- તથ્ય પટેલ રજિસ્ટ્રેશન વગર જેગુઆર લઈને 48 દિવસ રખડ્યો.
- એક મંદિરમાં એક્સિડેન્ટ પણ કર્યો.
ઇસ્કોન બ્રિજ પર 141 કિમી પ્રતિકલાકની ઝડપે જેગુઆર ચલાવી 9 લોકોને ઉડાવી દેનાર તથ્ય પટેલનો વધુ એક કાંડ સામે આવ્યો છે. આરોપી તથ્ય પટેલ 48 દિવસ સુધી રજિસ્ટ્રેશન વગરની જ જેગુઆર કાર લઈને ફેરતો હોવાનું સામે આવ્યું છે. એટલે કે 16મી ડિસેમ્બરે જેગુઆર ગાડી ખરીદીને 3 ફેબ્રુઆરીએ ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં રજિસ્ટ્રેશન પહેલા જ આરોપીએ જેગુઆર ગાડીથી અકસ્માત પણ સર્જ્યો હતો.
તથ્યને જેગુઆર કાર મળી હતી ગિફ્ટમાં
તો તથ્યએ જે કારથી અકસ્માત સર્જ્યો હતો તે જેગુઆર કારને લઈને પણ મોટો ખુલાસો થયો છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલને જેગુઆર કાર ગિફ્ટમાં મળી હતી. પિતા પ્રજ્ઞેશ પટેલે દીકરાને કાર ગિફ્ટમાં આપી હતી. ભાગીદારના નામે ગાડી લઈને પિતાએ દીકરાને ગાડી ગિફ્ટમાં આપી હતી. પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત 9 લોકોનો ભોગ લેનાર જેગુઆર ગાડી દોઢ વર્ષ પહેલા તથ્ય પટેલને ગિફ્ટમાં મળી હતી. દોઢ વર્ષમાં આ જેગુઆર કારથી તથ્ય પટેલ 3 વખત અકસ્માત કરી ચૂક્યો છે.
સાંતેજના બળિયાદેવ મંદિરમાં ઘૂસાડી હતી કાર
એક અકસ્માત તો ગાડીના રજિસ્ટ્રેશન પહેલા જ થયો હતો. જેગુઆર ગાડી ગિફ્ટમાં મળ્યાના 15 દિવસ બાદ જ તેણે ગાડીને ઠોકી દીધી હતી. 1 જાન્યુઆરીએ વહેલી સવારે તથ્યએ બેફામ રીતે જેગુઆર ગાડી હંકારીને ગાંધીનગર જિલ્લાના એક મંદિરમાં ઘુસાડી દીધી હતી. જેમાં મંદિરને નુકસાન પહોંચ્યું હતું. તથ્ય પટેલે 6 મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં જેગુઆર કાર ઘુસાડી હતી. નવા વર્ષની પાર્ટીમાં ગયેલા તથ્ય પટેલે વાંસજડા ગામની ભાગોડે સાણંદ જતા મેઈન રોડ પર બળિયાદેવના મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી.