
નવીદિલ્હી, દેશમાં ભારે વરસાદના કારણે તમામ પ્રકારના લીલા શાકભાજીના ભાવ આસમાને છે. તેમાં પણ જો ટામેટાની વાત કરવામાં આવેએ તો તેના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. મોંઘવારી વધવાનું એક કારણ ટામેટાના ભાવ પણ છે. સામાન્ય લોકોના રસોડામાંથી હવે ટામેટા ગાયબ થયા છે. કન્ઝ્યુમર અફેર્સ ડેટા અનુસાર, ૨૩ જુલાઈએ દેશમાં ટામેટાની મહત્તમ કિંમત ૨૦૦ રૂપિયાની નીચે આવી ગઈ હતી.
જો મુંબઈની વાત કરીએ તો ટામેટાની છૂટક કિંમત ૧૬૦ રૂપિયા પ્રતિ કિલો હતી, પરંતુ સપ્તાહના અંતે ટામેટાના છૂટક ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. મુંબઈમાં ટામેટાના ભાવ ૨૦૦ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ભાવમાં થયેલા વધારાને લીધે લોકોએ ખરીદી ઓછી કરી છે અને તેનું વેચાણ અત્યાર સુધીના નીચા સ્તરે આવી ગયું છે.
અતિવૃષ્ટિ અને પાકની અછતના કારણે ઘણી આવશ્યક શાકભાજી સિવાય ટામેટાના ભાવ જૂનથી સતત વધી રહ્યા છે. જૂનમાં ટામેટાના ભાવ ૧૩ જૂનના રોજ ૩૦ રૂપિયા પ્રતિ કિલોના નિયમિત ભાવથી લગભગ બમણા થઈને ૫૦-૬૦ રૂપિયા થઈ ગયા હતા અને જૂનના અંત સુધીમાં ૧૦૦ રૂપિયાને પાર થયા હતા. ૩ જુલાઈના રોજ તેને ૧૬૦ રૂપિયાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ તેનો ભાવ ૨૦૦ રૂપિયાનો પાર પહોચ્યો હતો. ટીઓઆઇના અહેવાલ મુજબ, એપીએમસી વાશીના ડિરેક્ટર શંકર પિંગલેના જણાવ્યા અનુસાર, ટામેટાનો જથ્થાબંધ ભાવ ૮૦ રૂપિયા અને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે. જો કે, લોનાવાલા ભૂસ્ખલનની ઘટના, ટ્રાફિક જામ અને ડાયવર્ઝનને પગલે વાશી માર્કેટમાં પુરવઠાની તંગી સર્જાઈ, જેના કારણે ભાવમાં વધારો થયો હતો. તેમણે કહ્યું કે, થોડા દિવસ બાદ ટામેટાની સપ્લાય ફરી શરૂ થઈ જશે.
વાશીના અન્ય વેપારી સચિન શિતોલેએ ખુલાસો કર્યો કે ટામેટા ૧૧૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. દાદર માર્કેટના વિક્રેતાએ જણાવ્યું કે, જથ્થાબંધ ભાવ ૧૬૦ થી ૧૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. ખાર માર્કેટ, પાલી માર્કેટ, બાંદ્રા, માટુંગા, ચાર બંગલા, અંધેરી, મલાડ, પરેલ, ઘાટકોપર અને ભાયખલામાં વિવિધ વિક્રેતાઓએ ટામેટાના ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ દર્શાવ્યા હતા, જ્યારે કેટલાક વેપારીઓ ૧૮૦ રૂપિયાના ભાવે વેચી રહ્યા છે.