
અલ્હાબાદ, ઉત્તર પ્રદેશમાં હાલ વધતાં જતાં લિવ-ઈન રિલેશનશિપના કિસ્સાઓ પર ઇલાહાબાદ હાઈકોર્ટે ગંભીર ટિપ્પણી કરી છે. જણાવી દઈએ કે હાઈકોર્ટે કહ્યું કે દેશના યુવાનો લિવ-ઈન રિલેશનશિપમાં મુક્ત સંબંધોની લાલચમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે અને પશ્ર્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને રિયલ લાઈફ પાર્ટનરને નથી મળી રહ્યા. આ સાથે જ કોર્ટે પશ્ર્ચિમી સભ્યતાના આંધળા અનુકરણથી થઈ રહેલા સામાજિક ફેરફારો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે ’પશ્ર્ચિમી સંસ્કૃતિને આંધળી રીતે અનુસરીને દેશનો યુવા વર્ગ મુક્ત સંબંધોને પ્રાધાન્ય આપવાની આ લાલચમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે અને આ કારણે તેઓ યોગ્ય જીવનસાથી શોધી શક્તા નથી. ’ કોર્ટે આગળ કહ્યું હતું કે, ’આ દેશના યુવાનો સોશિયલ મીડિયા, ફિલ્મો, ટીવી સિરિયલો અને વેબ સિરીઝના પ્રભાવ હેઠળ તેમના જીવનનો સાચો માર્ગ વિશે નિર્ણય નથી લઈ રહ્યા અને યોગ્ય જીવનસાથીની શોધમાં ઘણીવાર ખોટા જીવનસાથીની પસંદગી કરી લે છે. ’
કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા, ફિલ્મો વગેરે દર્શાવે છે કે જીવનસાથીને દગો આપવો એ સામાન્ય છે અને આ વિચાર એમની કલ્પનાને વેગ આપે છે. આવું બધુ જોઇને તેઓ તે જ પ્રયોગ રિયલ લાઈફમાં કરવાનું શરૂ કરે છે, પરંતુ તે ખોટું છે.’
જણાવી દઈએ કે કોર્ટે આ ટિપ્પણી એક યુવતીને આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના આરોપમાં જય ગોવિંદ ઉર્ફે રામજી યાદવની જામીન અરજી સ્વીકારતી વખતે કરી હતી. કોર્ટે કહ્યું હતું કે યુવકો ક્યારેક સમાજ તો ક્યારેક તેમના જ માતા-પિતા અને ક્યારેક તેમની પસંદગીના જીવનસાથી વિરુદ્ધ પણ ખરાબ વ્યવહાર કરે છે અને તેમને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળતો, જેના કારણે તેઓ આ પ્રકારના સંબંધોમાં ફસાઈ જાય છે. ભારતીય પરંપરાઓમાં આવા સંબંધો સ્વીકારવામાં આવતા નથી.
અલ્હાબાદ હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, ’ પરિવારો પણ તેમના બાળક દ્વારા પસંદ કરાયેલ જીવનસાથીની જાતિ, ધર્મ વગેરેના મુદ્દાઓ પર ઝઘડે છે અને આ કારણે બાળકો લગ્ન કરવા માટે ઘરેથી ભાગી જાય છે તો ક્યારેક આત્મહત્યા કરે છે અને ક્યારેક ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. આ પરિસ્થિતિને કારણે લગ્નનું ખોટું વચન આપીને બળાત્કાર અને પછી આત્મહત્યા કરવા અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના ગુના જેવા કેસો મોટી સંખ્યામાં કોર્ટમાં આવી રહ્યા છે.