
ઇઝરાયલમાં 29 અઠવાડિયાં સુધી વિરોધ છતાં સોમવારે જ્યુડિશિયલ ઓવરહોલ બિલનો મોટો ભાગ પસાર કરવામાં આવ્યો હતો. બિલ પર મતદાન દરમિયાન હજારો ઇઝરાયલીઓએ તેલ અવીવના રસ્તાઓ પર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. તેમણે કહ્યું હતું કે બેન્જામિન નેતન્યાહુ હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિન જેવા બની ગયા છે. તેઓ દેશને સરમુખત્યારશાહી તરફ ધકેલી રહ્યા છે.
આંદોલનકારીઓએ આજે આ બિલ સામે વિરોધ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી છે. મેડિકલ એસોસિયેશને પણ 24 કલાકની હડતાળની જાહેરાત કરી છે. જોકે એનાથી ઈમર્જન્સી સેવાઓને કોઈ અસર થશે નહીં.
નવા કાયદાકીય ફેરફાર હેઠળ હવે ઈઝરાયલમાં સુપ્રીમ કોર્ટ સરકારના કોઈપણ નિર્ણયને ખોટો ગણાવીને નકારી શકશે નહીં.

કાયદાકીય પરિવર્તનનો વિરોધ કરી રહેલા લોકોએ લોકશાહી કે બળવાના નારા લગાવ્યા. તેમણે કહ્યું હતું કે ઈઝરાયલમાં સરમુખત્યારશાહી નહીં ચાલે. આ દરમિયાન અનેક પત્રકારો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. દેખાવકારોએ મુખ્ય બેગુઈન હાઈવે બ્લોક કરી દીધો હતો. નેતન્યાહુની સરમુખત્યારશાહીનો વિરોધ કરવા માટે કેટલાક વિરોધીઓ ઉત્તર કોરિયાનો ધ્વજ લઈને જતા જોવા મળ્યા હતા. પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

સોમવારે બિલ પર વોટિંગ દરમિયાન વિપક્ષના તમામ 56 સભ્યોએ એનો બહિષ્કાર કર્યો હતો. ત્યાર બાદ બિલ 64-0 મતથી પસાર થયું. ઇઝરાયલના રાષ્ટ્રીય વિરોધ આંદોલને દેશની એકતામાં ભંગાણ, સૈન્ય અને અર્થવ્યવસ્થાના પતન માટે નેતન્યાહુને જવાબદાર ઠેરવ્યા હતા.
નેશનલ પ્રોટેસ્ટે કહ્યું હતું કે આવા નેતા સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી કે જેણે પોતાને રશિયન રાષ્ટ્રપતિ પુતિન જેવા બનાવ્યા છે અને દેશને સરમુખત્યારશાહી તરફ ધકેલવાનો નિર્ણય લીધો છે. અમે નેતન્યાહુ સામે અંત સુધી લડીશું, જેથી ઇઝરાયલ ઉદાર લોકશાહી બની રહે.

વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું- મતભેદો હોવા છતાં દેશે સાથે રહેવું પડશે. વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંતુલન બનાવવા અને એને ચલાવવા માટે બિલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે હજુ પણ બિલ પર વાતચીત માટે તૈયાર છીએ. અમે અગાઉ પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષી નેતાઓએ એ થવા દીધું ન હતું.
ઈઝરાયલ એક મજબૂત લોકશાહી દેશ છે અને આ હકીકતને કોઈ બદલી શકે એમ નથી. અમે હંમેશાં સાથે રહીશું. પરસ્પર મતભેદોને કારણે દેશ દુશ્મનો સામે ક્યારેય નબળો નહીં પડે.