સેવાલિયા, સેવાલિયા ખાતે આવેલ અંબાવ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય અને શિક્ષિકા શાળામાં શોભે નહિ તેવુ વર્તન કરતા ગ્રામજનોની માંગ મુજબ તેમની આ શાળામાંથી વર્ષ-2023માં જાન્યુઆરી મહિનામાં બદલી કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર શાળાના આચાર્ય હસમુખભાઈ અને મદદનીશ શિક્ષિકાની અંબાવ પગાર શાળામાં ફરી બદલી થતાં માહોલ ગરમાયો હતો. વાલીઓએ શાળાએ તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો.
થોડા સમય અગાઉ અંબાર પગાર કેન્દ્ર શાળામાં ફરજ બજાવતા આચાર્ય અને શિક્ષિકાની બદલી તેમના અંગત સંબંધો અને વર્તનને કારણે ગ્રામજનોની લેખિત રજુઆતના આધારે કરવામાં આવી હતી. જેના થોડા સમય બાદ રહસ્યમય રીતે બંનેની પરત બદલી આ શાળામાં થઈ હતી જે બાદ આચાર્ય અને શિક્ષિકા શાળામાં હાજર થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. જે બાદ શાળાનુ વાતાવરણ ખરાબ ન થાય તે માટે બંનેની પરત બદલી કરાવવાની માંગની રજુઆત એસ.એમ.સી.કમિટીએ કરી હતી. ગ્રામજનોએ વિધાર્થીઓના હિતમાં શાળાને તાળાબંધી કર્યા બાદ બાળકોને શાળાએ નહિ મોકલવાનો નિર્ણય કર્યો હતો.