
- ગોંડલ યાર્ડમાં પેઢી ધરાવતા પ્રવિણભાઇ પટેલે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ, કાશ્મીરથી ગોંડલ આવેલા 2.27 લાખની લસણની 65 બોરીની ચોરી થઈ છે, જેમાં એક રાજસ્થાની મજૂરને સકંજામાં લેવાયો છે. ગુંદાળા ખાતે આવેલ રાધે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં તસ્કરો ત્રાટકયા હતા. રાજકોટમાં રહેતા અને ગોંડલ યાર્ડમાં પેઢી ધરાવતા પ્રવિણભાઇ પટેલે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી મૂળ રાજસ્થાન અને હાલ ગુંદાળામાં રહી મજૂરી કરતા ઠાકરારામ ધર્મારામ જાણી (ઉ.વ.20)ને હસ્તગત કર્યો છે.
આરોપીએ તેની ટોળકીના અન્ય સાગરીતો સાથે મળી ગુનાને અંજામ આપ્યો છે. પોલીસે મુદ્દામાલ રિકવર કરવા અને અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી પ્રવિણભાઇ હરદાસભાઇ શીંગાળા (પટેલ) (ઉ.વ. 55, રહે. રાજકોટ, 150 રીંગરોડ, સીલ્વર સ્ટોન સોસાયટી, ઓસ્કાર ટાવર ની સામે, શેરી નંબર-9)એ ફરિયાદમાં જણાવ્યું કે, મારે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પરમેશ્વર ટ્રેડીંગ કુ. નામની પેઢી આવેલ છે. અમારો મુખ્ય ધંધો લસણનો છે.
ગોંડલની આજુબાજુ ગોડાઉન ભાડે રાખી તેમાં માર્કેટ યાર્ડમાંથી લસણની ખરીદી કરી, જથ્થાનો સંગ્રહ કરીને પુરતા પ્રમાણમાં ખરીદી કરીને બહારના રાજયમાં માગ પ્રમાણે મોકલવાનો વ્યવસાય છે. અમે ગોંડલ તાલુકાના ગુંદાળા ગામ પાસે રાધે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ત્રણ ગોડાઉન ભાડાપેટે રાખેલ છે, અને આ ગોડાઉનમાં સ્થાનિક યાર્ડમાંથી તેમજ બહાર રાજયમાંથી લસણની ખરીદી કરીને સંગ્રહ કરીએ છીએ.
ગુંદાળામાં રાધે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રસીકભાઇ ડાયાભાઇ રાજા (રહે- રાજકોટ)નું ગોડાઉન ભાડે રાખેલ હોય જેમાં એક ગાડી લસણની કાશ્મીરથી ખરીદી કરી મંગાવેલ જે તા.3/6/2023 ના રોજ આ ગોડાઉનમાં આશરે 18 ટન લસણ ઉતારી સંગ્રહ કરેલ અને ગોડાઉન બંધ કરી લોક મારી દીધેલ. ત્યારપછી આ લસણની પ્રોસેસ કરી, સારું લસણ અલગ કરી, પ્લાનેટ બેગ ભરી અલગ સંગ્રહ કરતા હોઇ છીએ. આ ગોડાઉનમાં લસણ સાફ સફાઇની પ્રોસેસ ચાલુ હતી અને અમારા ગોડાઉનમાં મજુર લોકો લસણની પ્રોસેસ દિવસ દરમ્યાન કરતા હોય અને જે કામ થયેલ હોય તે સાંજે હીસાબ કરી ગોડાઉનમાં રાખી જતા રહેતા હોય છે.
ગઇ તા.9/7/2023 ના રોજ લસણની સાફ સફાઇ કરી ગોડાઉનમાં રાખી સાંજના આશરે સાડા સાતેક વાગ્યે મજુર લોકો જતા રહેલ અને તા.10/7/2023 ના રોજ સવારમાં સાડા આઠેક વાગ્યાની આસપાસ હું તથા અમારા મજુર લોકો ગોડાઉન પર પહોંચેલ ગોડાઉનમાં જોતા લસણના સ્ટોક ગોઠવેલ હોય જેમાંથી અમુક નેટ બેંગ ઓછી જણાતા ગોડાઉનમાં લસણની બેગ ચેક કરતા આસરે લસણની 65 બેગ ઓછી જણાય આવેલ.
જેથી અમને પ્રાથમિક રીતે અંદરના કોઇ માણસો આમા સંડોવાયેલ હોય તેવી શંકાઓ રહેતા મેં આ બાબતે અમારી રીતે તપાસ કરેલ અને અત્યાર સુધી અમારા કોઇ અંદરના માણસો સંડોવાયેલ હોય તેવુ જાણવા નહીં મળતા પોલીસમાં ફરિયાદ કરી છે.
એક બેગમાં આશરે 32 કિલો લસણ હોય છે. આવી 65 બેગ ચોરી થઈ છે, એક બોરીની કિંમત રૂ.3500 થાય એટલે કે, રૂ.2,27,500નું લસણ કોઈ ચોરી કરી ગયું હોય, ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ જે.એમ. ઝાલાએ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ લસણની ચોરી કરનાર આરોપીઓ ગુંદાળામાં જ મજૂરી કામ કરતા. આવા ગોડાઉનમાં માલ ભરાય તેના પર નજર રાખતા. ગોડાઉનમાં મજૂરીએ જઈ રેકી કરતા. રાત્રીના સમયે ચોરી કરતા. હાલ કે ગોડાઉનમાં ચોરી થઈ તેમાં સીસીટીવી નથી. પણ નજીકમાં આવેલ કારખાનામાં સીસીટીવી છે. જોકે તસ્કરોને પહેલેથી જ ખ્યાલ હોય. જે સીસીટીવી કેમેરા ગોડાઉન તરફ હતો તેને ઢાંકી ચોરીને અંજામ આપ્યો હતો.