નડિયાદ ખાતે મણિપુરમાં ન્યાય અને શાંતિ માટે ખ્રિસ્તી સમુદાયની વિશાળ મૌન રેલી યોજાઈ

નડિયાદ, નડિયાદમાં યુનાઇટેડ ક્રિશ્ર્ચિયન ફોરમ દ્વારા મણિપુરમાં ન્યાય અને શાંતિ માટે આજે સવારે વિશાળ મૌન રેલી યોજવામાં આવી હતી, જેમાં કલેક્ટરને આવેદનપત્ર આપી મણિપુરમાં કુકી આદિવાસી અને અન્ય ભોગ બનનાર સમુદાયની સલામતી, ન્યાય અને પુનર્વસન માટે માગણી કરવામાં આવી હતી. વરસતા વરસાદમાં ૭ હજારથી વધુ લોકો સ્વયંભૂ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં મોટા પ્રમાણમાં મહિલાઓ જોડાઈ હતી.

મણિપુરમાં વ્યાપક પ્રમાણમાં હિંસક અથડામણ થઈ છે. જેમાં ખાસ કરીને કુકી આદિજાતિ ઉપર હિંસા અને સતામણી વિશેષ થઈ રહી છે. બળાત્કાર-છેડતી, લુંટ, આગચંપી, મહિલાઓ સાથે ગેંગ રેપ જેવી ઘટનાઓ છેલ્લા અઢી મહિનાથી અવિરત ચાલુ છે એવા સમયે નડિયાદ યુનાઇટેડ ક્રિશ્ર્ચિયન ફોરમ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલીસ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શહેરના સી.એન.આઈ ચર્ચથી આજે સવારે ૧૧ કલાકે રેલી શાંતિપૂર્ણ નીકળી હતી. જેમાં કેથોલિક ચર્ચ,સાલ્વેશન આર્મી, મેથોડીસ્ટ ચર્ચ, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સહિતના ચર્ચના ધર્મગુરુઓ સાથે મોટી સંખ્યામાં નાગરિકો સફેદ વસ્ત્રો અને સૂચક બેનર સાથે જોડાયા હતા. આ રેલી બાલ્કન જી બારી થઈ મિશન રોડ માર્ગે કલેક્ટર કચેરી પહોંચી હતી. જેમાં નાગરિકોએ મણિપુરમાં શાંતિ પ્રવર્તો, ન્યાય આપો, સહુ પ્રેમથી રહો, પીડિતોને સહારો આપો જેવા સૂચક બેનર સાથે જોડાયા હતા.

રેલીમાં જોડાયેલા કેથોલિક સભા પુરોહિત ફાધર જોસેફ અપ્પાઉએ જણાવ્યું હતું કે, ’મણિપુરમાં રાજધાની ઈમ્ફાલથી લગભગ ૩૫ કિમી દૂર કાંગપોક જિલ્લામાં કુકી મહિલાઓને નગ્ન કરી તેમની સાથે કરાયેલું અમાનવીય વર્તન અને દુષ્કર્મ એ ખૂબ દુ:ખદ અને કાળજું કંપાવી નાખનાર ઘટના છે. આ ઘટનાને અંજામ આપનાર તમામને ઝડપી પાડી કડકમાં કડક સજા થવી જોઈએ અને પીડિતોને સત્વરે ન્યાય મળવો જોઈએ.’

મહિલા અગ્રણી નીલાબેન અને કમુબેને જણાવ્યું કે, ’આભ તૂટી પડે તો પણ અમે ન્યાયની મૌન રેલી પૂર્ણ કરીશું. અમારી બહેનો, દીકરીઓ ઉપર અમાનુષ અત્યાચાર થાય, બળાત્કાર થાય અને અમે ઘરમાં રહીએ? દોષીઓને સજા થવી જ જોઈએ.’

મેથોડીસ્ટ ચર્ચના ધર્મગુરુ રેવ.ડૉ.ઈમાનયેલ કાન્તે જણાવ્યું હતું કે, ’મણિપુરમાં અસંખ્ય નાગરિકોએ પોતાનું ઘર,ધંધા-વ્યવસાય, મિલ્ક્તો અને જમીન સહિત સર્વસ્વ ગુમાવી દીધું છે. ઘાતકી હુમલાઓ, સામૂહિક બળાત્કાર અને હત્યાઓને કારણે આદિજાતિમાં ડરનો માહોલ સર્જાયો છે. તેઓએ હાલમાં રાહત છાવણીઓમાં આશ્રય લીધો છે. મણિપુરમાં વિશેષ ગ્રામ્ય અને પહાડી વિસ્તારોમાં અસંખ્ય મકાનો, દુકાનો, વાહનો, ઘર, સંસ્થાઓ તેમ જ ૨૦૦થી વધુ ચર્ચ સળગાવાયા છે,આ હિંસામાં લગભગ ૧૫૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. હાલમાં મણિપુરમાં લોકશાહી માળખું પડી ભાંગ્યું છે ત્યારે વિશેષ રસ દાખવી રાજ્ય અને કેન્દ્ર સરકારને આદેશ કરી અત્યાચાર સત્વરે રોકી લોકશાહીને જીવંત રાખી શકાય તેમ છો.’

સભા પુરોહિત ફાધર આમ્બ્રોસે જણાવ્યું હતું કે, ’મણિપુરમાં કુકી આદિવાસીઓ વિરૂદ્ધ હિંસા અને અમાનવીય વ્યવહારની ઘટના દયનીય, નિંદનીય અને માનવતા વિરુદ્ધ અપરાધ કહેવાય છે. મણિપુરમાં રહેતા કુકી આદિવાસી સમુદાય અને અન્ય ભોગ બનનાર લોકો-સમુદાય પર જીવલેણ હુમલા બંધ થવા જોઈએ. ભોગ બનનાર મહિલાઓને ન્યાય મળવો જોઈએ.’નોર્થ ઇન્ડિયા ચર્ચના ધર્મગુરુ ક્લાયમેન્ટે જણાવ્યું હતું કે, ’અમે સહુ શાંતિપૂર્ણ રેલી દ્વારા મણિપુરમાં પ્રેમ,શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ ઝંખીએ છે.’