ચેન્નાઇ, મદ્રાસ હાઈ કોર્ટે કહ્યું કે, તામિલનાડુ અને પુડુચેરીની અદાલતોમાં માત્ર મહાત્મા ગાંધી અને તમિળ સંતકવિ તિરુવલ્લુવરની જ તસવીરો લગાડી શકાશે.
કોર્ટે કડકાઈથી કહ્યું કે જિલ્લા અદાલતોમાં પણ કોઈ અન્યની તસવીર લગાડવામાં નહીં આવે. હાઈ કોર્ટના રજિસ્ટ્રાર જનરલ તરફથી જારી કરાયેલા સર્ક્યુલરમાં જિલ્લા અદાલતોને કહેવાયું કે કોર્ટમાં જો કોઈ બીજો ફોટો હોય તો તેને હટાવી દેવાય. કાંચીપુરમ્ના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને કહેવામાં આવ્યું કે તેઓ અલંદૂરના બાર એસોસિયેશનને કહે કે નવ નિર્મિત અદાલત પરિસરના દરવાજા પર લગાડેલી ડો. આંબેડકરની તસવીર હટાવી દે. વકીલોનાં ઘણાં સંગઠનોએ જ્યારે ડો. આંબેડકરની તસવીરો અને મૂર્તિઓના અનાવરણ માટે મંજૂરી માગી ત્યારે આ બાબત સામે આવી છે. ફુલ કોર્ટ મીટિંગમાં એક અલગ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવાયું કે એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં રાષ્ટ્રીય મહાપુરુષોની તસવીરો કે મૂર્તિ ઓની તોડફોડ કરવામાં આવી. આવી તોડફોડ પછી સંઘર્ષની સ્થિતિ ઊભી થાય છે. તેનાથી બચવા માટે કોર્ટ મહાત્મા ગાંધી અને સંતકવિ તિરુવલ્લુવર સિવાય અન્ય કોઈની પણ તસવીર કે મૂર્તિ લગાડવાની મંજૂરી નહીં આપે.
આ જ રીતે એપ્રિલ, ૨૦૧૩માં કોર્ટે નિર્દેશ કર્યો હતો કે અલંદૂર કોર્ટમાં લાગેલી ડો. આંબેડકરની તસવીરને હટાવી દેવામાં આવે. રજિસ્ટ્રાર જનરલે સર્ક્યુલરમાં સ્પષ્ટ કહ્યું છે કે તામિલનાડુ અને પુડુચેરીની અદાલતોમાં જો બાર કાઉન્સિલ આ આદેશની અવહેલના કરે તો તેમની સામે કાર્યવાહી થશે.