અમરાવતીના એસીપીએ પોતાની પત્ની અને ભત્રીજાને ગોળી મારી, પછી આત્મહત્યા કરી લીધી

પુણે, પુણેથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભરત ગાયકવાડ નામના એસીપીએ પોતાની પત્ની અને ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ પછી, તેણે ફરીથી પોતાને ગોળી મારી. મળતી માહિતી મુજબ એસીપી ભરત ગાયકવાડ હાલ અમરાવતીમાં ફરજ બજાવતા હતા. આ ઘટના પહેલા તે પુણેમાં પોતાના ઘરે આવ્યો હતો. તેણે મોડી રાત્રે અચાનક પત્ની અને ભત્રીજાને ગોળી મારી દીધી.

ચતુશ્રૃંગી પોલીસનું કહેવું છે કે આ ઘટના સોમવારે સવારે ૩.૩૦ વાગ્યે બાનેર વિસ્તારમાં ૫૭ વર્ષીય એસીપી ભરત ગાયકવાડના ઘરે બની હતી. પોલીસે જણાવ્યું કે સોમવારે સવારે લગભગ ૩.૩૦ વાગે એસીપીએ કથિત રીતે પ્રથમ તેની પત્નીને માથામાં ગોળી મારી હતી. આ પછી ગોળીનો અવાજ સાંભળીને તેનો પુત્ર અને ભત્રીજો દોડી આવ્યા અને દરવાજો ખોલ્યો. તેણે દરવાજો ખોલતાની સાથે જ એસીપીએ તેના ભત્રીજા પર ગોળીબાર કર્યો હતો, જે છાતીમાં વાગ્યો હતો. જે બાદ ગાયકવાડે પોતાને માથામાં ગોળી મારી દીધી હતી. આ દરમિયાન ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, અન્ય બે મૃતકોની ઓળખ એસીપી ભરત ગાયકવાડની પત્ની મોની ગાયકવાડ (૪૪) અને ભત્રીજા દીપક (૩૫) તરીકે થઈ છે. જો કે હત્યા અને ત્યારબાદ આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.