દાહોદ, પશ્રિમ રેલ્વેના રતલામ મંડળના સમાવિષ્ટ દાહોદ જિલ્લો આમ તો મઘ્યપ્રદેશ અને રાજસ્થાનની ત્રિભેટે આવેલો છે. સાથે પુર્વથી ગુજરાતનુ પહેલુ શહેર ગણાતા દાહોદમાં ગરીબ અને મઘ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી મેમુ, ડેમુ, ઈન્ટરસિટી જેવી ટ્રેનો રેલ્વે તંત્રએ બંધ કરી દીધી હતી.
આ ઉપરાંત અત્રેથી પસાર થથતી સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનોના સ્ટોપેજ પણ બંધ કરી દેવાયા હતા. ટ્રેનો બંધ થવાથી રેલ્વેની રેવન્યુને પણ મોટો ફટકો પડતા ગોદી રોડ તરફથી ટિકીટ વિન્ડો રેલ્વે તંત્ર દ્વારા બંધ કરી દેવાઈ હતી. ટ્રેનો બંધ થવાના કારણે મુસાફરોમાં પણ નોંધપાત્ર ધટાડો જોવા મળતા રેલ્વે પાર્કિંગને પણ મોટુ નુકસાન પહોંચ્યુ હતુ. જેના પગલે ઉંચા ભાડાથી ચાલતુ રેલ્વે પાર્કિંગ નુકસાનમાં જતા એજન્સી દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યુ હતુ. લાંબા સમયથી ઉપરોકત રેલ સંબંધિ બાબતોના નિકાલ માટે સાંસદ દ્વારા રજુઆતો કરાતી હતી. પરંતુ યોગ્ય નિકાલ ના થતાં રેલ્વેએ દાહોદને અછુતો છોડી દીધો હોય તેમ લાગી રહ્યુ હતુ. ત્યારે તાજેતરમાં દાહોદ સ્ટેશનના ઈન્સ્પેકશનમાં આવેલા ડી.આર.એમ.સમક્ષ દાહોદના સાંસદ, ડી.આર.યુ.સી.સી.ના સભ્યો દ્વારા રેલ્વે સંબંધિત બાબતે ઉગ્ર રજુઆતો કરતા કેટલાક મુદ્દાઓને લઈને ડી.આર.એમ.એ સ્થળ પર જ નિકાલ કરી દીધો હતો. જયારે બાકી બચેલા મુદ્દાઓ મામલે ધટતુ કરવા હૈયાધારણા આપી હતી. દરમિયાન રેલ્વે તંત્રના આદેશો બાદ કોરોના કાળથી બંધ પડેલી ગોદી રોડ તરફની ટિકીટ બારી આજથી શરૂ કરાતા આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. સાથે રેલ્વે પાર્કિંગ પણ પુન: શરૂ થતાં અત્રેથી મુસાફરી કરતા વાહનચાલકોને પણ રાહત થઈ છે. જોકે હાલ તો નાના તેમજ ગરીબ મઘ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી વલસાડ ઈન્ટરસિટી, આણંદ-દાહોદ મેમુ, વડોદરા-દાહોદ મેમુ, સહિતની લોકલ ટ્રેનો કયારે શરૂ થશે તેની રાહ જોવાઈ રહી છે. છેલ્લા ધણા સમયથી કોરોના કાળથી બંધ કરાયેલ સુપરફાસ્ટ તેમજ સાપ્તાહિક ટ્રેનોના સ્ટોપેજ માટે માંગણી કરાઈ છે. જે પુન: શરૂ થવાની રાહ જોવાઈ રહી છે.