કાલોલ,કાલોલ અને હાલોલ તાલુકાના હદ વિસ્તારમાં આવેલા નાવરિયા ગામની સીમમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી એક નીલગાયે આતંક મચાવતા બે મહિલાઓને ઈજા પહોંચાડી હોવાની ધટના સામે આવી છે.
નાવરિયા ગામે રહેતા સાસુ-વહુ ગામની સીમમાં આવેલા તેમના ખેતરમાં નિંદામણનુ કામ કરી રહ્યા હતા. તે સમયે પાછળથી ધસી આવેલી નીલગાયે તેમના પર હુમલો કરીને બંનેને ભેટી મારી સાસુ-વહુ બંનેને ગંભીર ઈજા પહોંચાડી હતી. અચાનક થયેલા હુમલાથી ભયભીત થઈ ગયેલી બંને મહિલાઓએ બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવી નીલગાયને ભગાડી દીધી હતી. જયારે હુમલામાં ધાય બંને મહિલાઓને સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.ગામલોકોના જણાવ્યાનુસાર નીલગાયોના ટોળાનો સીમના ખેતરોમાં ભારે ત્રાસ જોવા મળે છે. દરમિયાન આ એક નીલગાય છેલ્લા બે-ત્રણ મહિનાથી હુમલાખોર બની છે. જેણે અત્યાર સુધી આઠ થી દસ લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. તેમાંય એકલ દોકલ રાહદારી કે ખેતરોમાં કામ કરતા લોકો પર હુમલો કરતી હોવાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. જેથી વનવિભાગ દ્વારા નીલગાયને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.