૫૦ કરોડ લઈ ધારાસભ્ય જજપાલે રાજીનામુ આપેલું,ભાજપ નેતાનો કોર્ટમાં દાવો

ભોપાલ, મધ્ય પ્રદેશના અશોકનગરથી ભાજપા ધારાસભ્ય જજપાલ જસ્સી માટે તેમની જ પાર્ટીના નેતાએ તેમને મુશ્કેલીમાં મૂકી દીધા છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટ ગ્વાલિયરની બેંચમાં બે વાર કાઉન્સિલર રહેલા રોશન સિંહ યાદવે પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ નિવેદન આપ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન રોશન સિંહે કહ્યું કે વર્ષ ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જીત્યા પછી ધારાસભ્ય જજપાલ જસ્સીએ ૫૦ કરોડ રૂપિયા લઈ પદેથી રાજીનામુ આપી દીધું હતું.

મધ્ય પ્રદેશ કોર્ટની ગ્વાલિયર બેંચમાં વિધાનસભા ચૂંટણીની અરજી પર સુનાવણી દરમિયાન જ્યારે ધારાસભ્ય જજપાલ સિંહ જસ્સી તરફના સીનિયર એડવોકેટ વિનોદ કુમાર ભારદ્વાજે રોશન સિંહને ક્રોસ એક્ઝામિન કર્યું તો તેમણે જણાવ્યું કે જજપાલ જસ્સીએ ૫૦ કરોડ રૂપિયા લઈ રાજીનામુ આપ્યું હતું.

ખાસ વાત એ રહી કે એડવોકેટે રોશન પાસેથી પૈસાના લેવડ-દેવડના સંબંધમાં કોઈ પ્રશ્ર્ન પૂછ્યા નહોતા. ત્યાર પછી એડવોકેટના પૂછવા પર રોશન સિંહે એવું પણ કહ્યું કે ૫૦ કરોડ રૂપિયા લેવાની વાત મારા સાંભળવામાં આવી હતી. ત્યાર બાદ રોશન સિંહે પોતાની વાતને સંભાળતા કહ્યું કે આ આખા કેસને લઇ મેં જજપાલ સામે કોઈ એકઆઇઆર દાખલ કરાવી નથી.

જાણ હોય તો મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર ૪ મહિનાનો સમય રહ્યો છે. એવામાં પોતાની જ પાર્ટીના ધારાસભ્ય સામે આપવામાં આવેલું નિવેદન વિરોધી પાર્ટી કોંગ્રેસ માટે મોટું હથિયાર બની શકે છે. જણાવીએ કે મધ્ય પ્રદેશમાં જજપાલ સિંહને જ્યોતિરાદિત્ય સિંધિયાના ગુટના ગણવામાં આવે છે. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને જજપાલ જસ્સી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે સીટ પર તે ચૂંટણી લડ્યા તે અનુસૂચિત જાતિ માટે રિઝર્વ સીટ હતી. ૨૦૨૦માં જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે પાર્ટી છોડનારાઓમાં જજપાલ સિંહ પણ સામેલ હતા. ત્યાર પછી પેટા ચૂંટણીમાં તેમણે જીત નોંધાવી હતી. તેમણે લડ્ડૂ રામને હરાવ્યા હતા. લડ્ડૂ રામે હાર્યા પછી જજપાલ સામે નકલી જાતિ પ્રમાણપત્ર લગાવવાનો દાવો દાખલ કર્યો છે. જેની સુનાવણી હાલમાં હાઈકોર્ટમાં ચાલી રહી છે.

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કમલનાથ વર્ષ ૨૦૨૦માં પોતાની સરકાર તૂટ્યા પછીથી આરોપ લગાવતા રહ્યા છે કે કોંગ્રેસ ધારાસભ્યોએ ૫૦-૫૦ કરોડ રૂપિયા લઈને પાર્ટી છોડી હતી અને ભાજપામાં સામેલ થયા.