અમદાવાદમાં વરસાદ બાદ સમસ્યાની હારમાળા, હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી

  • વરસાદ બંધ થયાના ૧૨ કલાક બાદ પણ પાણી ભરાયેલા છે ત્યાં કામગીરી ચાલી રહી હોવાનું મેયરે જણાવ્યું.

અમદાવાદ,  રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અને તેમાં પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની (Rain) મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે શનિવારે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેર બેટમાં ફેરવાયું હતું. સોસાયટીઓમાં, મકાનમાં, દુકાનોમાં પાણી ભરાયા છે.

વરસાદ બંધ થયાના 12 કલાક થયા હોવા છતાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી. જેના કારણે શનિવારે પડેલો વરસાદ અમદાવાદવાસીઓ માટે હાલાકીનો વરસાદ બની રહ્યો છે.

શનિવારે પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરતા પાણીમાં વાહનો ફસાયા હતા. ત્યાં બીજી તરફ ઇસ્કોનથી બોપલ જતા અંતરિક્ષ કોલોની પાસે ક્રેન ફસાઈ હતી. ક્રેન ખાડામાં ફસાતા ડ્રેનેજ ચેમ્બર પણ તૂટી ગઈ હતી. જ્યાં હાલ ક્રેનને બહાર કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

વરસાદના કારણે શહેરમાં અનેક રસ્તા ધોવાયા છે. ત્યાં સુરધારા સર્કલ ખાતે નવા RCC રોડનું કામ ચાલી રહ્યું છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યાને કારણે રોડને RCC રોડ બનાવમાં આવી રહ્યા છે. જોકે ચોમાસા સમયે રોડ નિર્માણની કામગીરી કરતા રોડના કામમાં નુકશાન ન થાય માટે તંત્ર દ્વારા પ્લાસ્ટિકથી રોડ કોર્ડન કરાયો છે. જોકે, વરસાદ વચ્ચે રોડની કામગીરીને લઈને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

વરસાદી પાણી ભરાવા સાથે શહેરમાં ગટરના પાણી ઘુસવાની સમસ્યા સામે આવી છે. શહેરમાં જશોદાનગરમાં ગટરના પાણી ઘુસ્યા હતો. સ્થાનિકોના આક્ષેપ છે કે કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. કેનાલમાંથી પાણી લોકોના ઘરોમાં આવી રહ્યા છે. પ્રદુષિત પાણીના લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય લોકોને સતાવી રહ્યો છે.

શનિવારે શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અમદાવાદ શહેર બેટમાં ફેરવાયું છે. જ્યાં મોટાભાગના સ્થળો ઉપર વરસાદી પાણીમાં વાહનો ફસાતા બંધ પડ્યા હતા. બંધ પડેલા વાહનો શરૂ કરવા માટે ગેરેજોમાં કતાર લાગી છે. ગેરેજોમાં સવારથી જ વાહન રીપેર કરાવવા વેઇટિંગ છે. AEC બ્રિજ પાસે ગેરેજમાં શનિવારથી અંદાજે 150થી વધુ વાહનો ગેરેજમાં આવ્યા અને તે જ પ્રકારની પરિસ્થિતિ અન્ય વિસ્તારની પણ છે.

શહેરમાં વરસાદે વિરામ લીધો પરંતુ અમદાવાદમાં સ્થતિ ખરાબ છે કેમ કે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા ધોવાયા છે. મેમનગર પાસે BRTSનો રોડ ધોવાયો છે. જેના કારણે પોલીસનું વાહન પણ ફસાયું હતું. તો રોડ બેસી જતા મેમનગરનો BRTSનો એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી હતી. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે અહીંયા આ સ્થતિ સર્જાય છે.

અમદાવાદની વરસાદી સમસ્યા પર મેયર કિરીટ પરમારે નિવેદન આપ્યું છે. તેઓએ સ્ટોર્મ વોટર લાઈનની કેપેસિટી સામે શનિવારે વધુ વરસાદ પડતા સમસ્યા સર્જાઈ હોવાનું કબુલ્યું છે. સાથે જ 2 કલાકમાં જ શહેરમાં પાણીનો નિકાલ થયાનું તેમજ વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ પાણી ભરાયેલા છે ત્યાં કામગીરી ચાલી રહી હોવાનું મેયરે જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે બોપલ ગામની વરસો જૂની પાણી ભરાવાની સમસ્યા જલ્દી દુર કરવા ખાતરી આપી હતી. તેમજ બોપલ તાજેતરમાં AMCમાં ભળ્યું હોવાથી લાઇનો નાખી જલ્દી કામ પૂર્ણ કરી જલ્દી સમસ્યા દૂર કરવામાં આવશે તેમજ અમદાવાદની સમસ્યા પર પણ ધ્યાન આપી કામ કરાશે.

આ સમગ્ર સમસ્યા વચ્ચે SVPI એરપોર્ટ ખાતે વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. મુસાફરો, કર્મચારીઓ સહિત તમામ લોકોને વરસાદી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. એક તરફ એરપોર્ટ પર વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ રહી છે. ત્યાં બીજી તરફ ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવતા એરપોર્ટની સુવિધા પર સવાલ પણ ઉભા થયા છે. કેમ કે છેલ્લા કેટલાક વર્ષમાં એરપોર્ટ પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે.