મણિપુર ઘટનાને લઈ આદિવાસીઓ દ્વારા જિલ્લામાં બંધનું એલાન; બોડેલી, પાવી અને જેતપુર સંપૂર્ણ બંધ, જ્યારે છોટાઉદેપુર, કવાંટ આંશિક બંધ

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સંગઠનો દ્વારા જિલ્લા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મણિપુરમાં આદિવાસી મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવતા, મધ્યપ્રદેશમાં થયેલા મુત્રકાંડ અને છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓ ઉપર સૌરાષ્ટ્રમાં થયેલા અત્યાચારના વિરોધમાં આજરોજ જિલ્લા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે બજારો ખુલ્લા રહેતા આદિવાસી આગેવાનો દ્વારા બંધ કરાવવા જતાં સંગ્રામસિંહ રાઠવા અને અર્જુન રાઠવા સહિતના આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી. છોટાઉદેપુરના બજારો અડધા ખુલ્લા જોવા મળ્યા હતા. જ્યારે કવાંટના બજાર પણ અડધા ખુલ્લા અને અડધા બંધ જોવા મળ્યા હતા.

જિલ્લાની આર્થિક રાજધાની બોડેલીમાં વહેલી સવારથી જ આદિવાસી આગેવાનોએ અલીપુરા ભેગા થઈને બજારો બંધ કરાવતા બોડેલીના બજાર સંપૂર્ણ બંધ થઈ ગયા હતા. જ્યારે પાવી જેતપુરના બજારો સવારથી જ બંધ રહ્યા હતા. સંખેડાના બજારો રાબેતા મુજબ જ ખુલ્લા જોવા મળ્યા હતા. એટલે જિલ્લા બંધના એલાનનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.