ભારતીય બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડોનેશિયાની નંબર 1 જોડી ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન આર્ડિયનોને 17-21, 21-13, 21-14થી હરાવી કોરિયન ઓપન જીતી લીધો છે. સાત્વિક ચિરાગની (Satwiksairaj Chirag) જોડીએ પહેલીવાર આ ટાઈટલ જીત્યું છે. પ્રથમ ગેમ 17-21 થી હાર્યા બાદ બાકીની બંને ગેમમાં ભારતીય જોડીએ શાનદાર વાપસી કરી હતી.
થાઈલેન્ડ ઓપન 2019 અને યોનેક્સ સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2022 અને 2023 જીત્યા બાદ BWF વર્લ્ડ ટૂરમાં આ તેમની કારકિર્દીનું અત્યાર સુધીનું ત્રીજું સુપર 500 ટાઈટલ છે. તેમણે અગાઉ આ વર્ષની શરૂઆતમાં સ્વિસ ઓપન 2023 (સુપર 300) અને ઈન્ડોનેશિયા ઓપન 2023 (સુપર 10) જીત્યું હતુ. ભારતની આ સ્ટાર જોડીએ મોટી ટુર્નામેન્ટની 12માંંથી 9 ફાઈનલમાંથી જીત મેળવી છે અને 3 ફાઈનલમાં હારનો સામનો કર્યો છે.
ચિરાગ-સાત્વિકની જોડીએ વર્ષ 2023માં આ ત્રીજો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતની આ જોડીએ શનિવારે વિશ્વની બીજા નંબરની ચાઇનીઝ જોડી લિઆંગ વેઇ કેંગ અને વાંગ ચાંગ સામે રોમાંચક ગેમમાં જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વની ત્રીજા નંબરની ભારતીય બેડમિન્ટન જોડીએ જિન્નમ સ્ટેડિયમમાં 40 મિનિટની મેચમાં બીજી ક્રમાંકિત ચીની જોડી સામે 21-15, 24-22થી જીત નોંધાવી હતી. અગાઉની બે હાર બાદ સાત્વિક અને ચિરાગની ચીનની જોડી સામે આ પ્રથમ જીત હતી.