ન્યૂઝીલેન્ડમાં જ અમેરિકા જેવું શૂટઆઉટ: વીમેન્સ વર્લ્ડકપની પૂર્વ સંધ્યાએ ગોળીબારમાં બેના મોત

એડીલેડ, ન્યૂઝીલેન્ડમાં વીમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપના પ્રારંભ પહેલા જ અગાઉના દિવસે સાંજે ઓકલેન્ડમાં શૂટઆઉટમાં બેના મોત થયા હતા. આમ અમેરિકા પછી હવે ન્યૂઝીલેન્ડમાં પણ શૂટઆઉટની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસે વળતી કાર્યવાહીમાં સશસ્ત્ર હુમલાખોરને ઠાર કર્યો હતો. આ ઉપરાંત આ હુમલામાં છ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે જણાવ્યું હતું કે, ‘ફૂટબોલ ટુર્નામેન્ટ યોજના મુજબ આગળ વધશે. ગોળીબાર કરનાર વ્યક્તિએ વ્યક્તિગત કાર્યને અંજામ આપ્યું છે અને પોલીસ આ ઘટનાના સંબંધમાં અન્ય કોઈની તપાસ કરી રહી નથી. આ ઘટનામાં રાજકીય અથવા વૈચારિક પ્રેરણા નથી અને તેથી તે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ નથી. ન્યુઝીલેન્ડના સુરક્ષા જોખમના સ્તરમાં કોઈ ફેરફાર થશે નહીં, તેમ છતાં શહેરમાં પોલીસની હાજરીમાં વધારો કરવામાં આવશે.’

નવમા મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ માટે ઓકલેન્ડે હજારો આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને પ્રવાસીઓનું સ્વાગત કર્યું છે. આ વર્લ્ડ કપની યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સંયુક્ત રીતે કરી રહ્યા છે. ગુરુવારના રોજ બે પ્રારંભિક મેચોમાં ઓકલેન્ડમાં નોર્વે અને ન્યુઝીલેન્ડ જ્યારે સિડનીમાં ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ વચ્ચે ટક્કર થશે.

આ દર્શાવે છે કે ન્યૂઝીલેન્ડમાં પણ હવે અમેરિકા જેવી ઘટના બનવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને જણાવ્યું છે કે તેમને ત્યાં આવી કોઈપણ પ્રકારની ઘટના સાંખી નહી લેવાય. આ પ્રકારે ગોળીબાર કરનારાઓને આકરો જવાબ આપવામાં આવશે. ન્યૂઝીલેન્ડમાં અમેરિકાની જેમ શૂટઆઉટને કોઈ સ્થાન નથી એમ તેમણે જણાવ્યું હતું.