દાહોદમાં બંધ મકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરો પૈકી એક ઝડપાઈ જતા સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડ્યો

  • મસ્જિદમાં ઇબાદત કરવાં ગયેલા વ્હોરા પરિવારના મકાનમાં ત્રણ તસ્કરો ત્રાટક્યાં, ઘરધણી આવી જતા એક પકડાયો : બે ફરાર.
  • બે તસ્કરો 10 હજારની માલમત્તા પર હાથફેરો કરી ભાગ્યા.

દાહોદ, દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં થયેલી ચોરીની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં તો બીજી ચોરીની ઘટના સામે આવી છે. જેમાં તારીખ 23 મી જુલાઈના રોજ દાહોદ શહેરના પાલિકા ચોક વિસ્તારની પાછળ આવેલા ચલ્લાવાળાની શેરીમાં દાઉદી વોહરા સંપ્રદાયના લોકો મોહરમનો પર્વ ચાલતો હોવાથી મસ્જિદમા ઈબાદત કરવા જતાં વિસ્તારો સુમસામ ભાસી રહ્યા હતા. તે તકનો લાભ ઉઠાવી 3 જેટલા તસ્કરો વ્હોરા પરિવારના બંધ મકાનમાં આગળના ભાગેથી ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ઘુસ્યા હતા. જોકે તસ્કરોની કમનસીબી હતી કે ઘરઘણી મસ્જિદ માંથી ઘરે આવી જતા ચોરીના ઈરાદે આવેલા ત્રણેય તસ્કરો ભાગવાનો પ્રયાસ કરતા બે તસ્કરો 10,000 રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરી બાકી છૂટવામાં સફળ રહ્યા હતા. પરંતુ એક તસ્કરને ઘરધણીએ પ્રતિકાર કરી ઝડપી લીધો હતો. જોકે આ દરમિયાન બૂમાબૂમથી આજુબાજુના વિસ્તારના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા અને સ્થાનીક પોલીસને જાણ કરતા પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસ આવે તે પહેલા જ સ્થાનિકોએ ઝડપાયેલા તસ્કરને બરાબરનો મેથીપાક ચખાડી દીધો હતો. જોકે થોડીક જ વારમાં પોલીસ આવી જતા પોલીસ ઝડપાયેલા કસરને પોલીસ મથકે લઈ ગઈ હતી. જોકે, આ ઘટનામાં ભોગ બનનાર ચલ્લાવાળાની શેરીમાં રહેતા યુનુસ ભાઈ કાપડીયાએ જણાવ્યું હતું કે, ઘરના તમામ સદસ્યો ઘરને તાળું મારી ઈબાદત કરવા મસ્જીદમાં ગયા હતા અને પાછળથી તસ્કરોએ તેમના ઘર માંથી તિજોરી માંથી તેમજ ડ્રોવર માંથી મુકેલા દસ હજાર રૂપિયા રોકડાની ચોરી થઈ હોવાનું તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે,આ મામલે પોલીસ દ્વારા ઝડપાયેલા ઈસમની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે અને ચોરી અંગેનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.