દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં એક પ્રસુતાને ડીવીવરી દરમ્યાન બાળક મૃત હાલતમાં જન્મતા અને ત્યાર બાદ પ્રસુતાની પણ તબીયત લથડતા પરિવારજનો દ્વારા પ્રસુતાને ગોધરા ખાતે સારવાર માટે લઈ જવાતા રસ્તામાં પ્રસુતાનું પણ મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની ગયો હતો ત્યારે આ મામલે પરિવારજનો દ્વારા દેવગઢ બારીઆની ખાનગી હોસ્પિટલની બેદરકારીના કારણે માતા અને નવજાત બાળક બંન્નેનું મોત નીપજ્યાંના આક્ષેપો કર્યા હતા ત્યારે આ મામલે દેવગઢ બારીઆ પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેવગઢ બારીઆ તાલુકાના ટીકડી ગામે જુના ફળિયામાં રહેતાં હરેશભાઈ મહેન્દ્રભાઈ બારીયાની 32 વર્ષીય પત્નિ રેખાબેન ગર્ભવતી હોઈ અને તેમને ગતરોજ અચાનક પ્રસુતાની પીડા થતાં પરિવારજનો દ્વારા રેખાબેનને દેવગઢ બારીઆ નગરમાં આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા. જ્યાં પ્રસુતાનું બી.પી. ઓછુ હોવાને કારણે બાળક પેટમાં મૃત્યુ પામ્યું હતું. ત્યારે તબીબો દ્વારા રેખાબેનનું સીઝરીયન કરી ડીલેવરી કરાવી હતી. ત્યાર બાદ રેખાબેનની પણ એકાએક તબીયત લથડતા તેઓને ગોધરા ખાતે રીફર કરવામાં આવતાં રેખાબેનને લઈ પરિવારજનો ગોધરા ખાતે જઈ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં રેખાબેનને ખેંચ જેવું આવતાં તેઓનું પણ મોત નીપજ્યું હતું. માતા અને નવજાત બંન્નેનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી અને પરિવારજનોના જણાવ્યાં અનુસાર, દેવગઢ બારીઆની સંજીવની હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે માતા અને નવજાત બાળકનું મોત નીપજ્યાંના આક્ષેપો કર્યા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.
આ સંબંધે દેવગઢ બારીઆના ટીકડી ગામે જુના ફળિયામાં રહેતાં મહેન્દ્રભાઈ ઉર્ફે હિંમતભાઈ ગોપસીંગભાઈ બારીયાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.