મુંબઇ, ભૂતપૂર્વ ખેલાડી અંબાતી રાયડુએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ધોની પછી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો આગામી કેપ્ટન કોણ હશે તે અંગે મોટી જાહેરાત કરી છે.
આઈપીએલ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં તે અંગે હજુ કંઈ નક્કી નથી. બીજી તરફ, રાયડુના મતે, ધોનીના ગયા પછી ટીમની કેપ્ટનશીપ કોને મળશે તે અંગેની રેસમાં ઓપનિંગ બેટ્સમેન ૠતુરાજ ગાયકવાડ સૌથી આગળ છે.
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટેસ્ટ ટીમમાં સામેલ થયા બાદ ૠતુરાજને ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ ૨૦૨૩ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્રની ટીમનું નેતૃત્વ કરવા ઉપરાંત, ગાયકવાડે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ (એમપીએલ)ની પ્રથમ સિઝનમાં પુનેરી બાપ્પા ટીમનું પણ નેતૃત્વ કર્યું હતું.આઇપીએલની ૧૬મી સિઝનમાં ગાયકવાડના બેટથી ૫૦૦થી વધુ રન જોવા મળ્યા હતા.
અંબાતી રાયડુએ બિહાઈન્ડવુડ્સટીવીની યુટ્યુબ ચેનલ પર એક નિવેદનમાં કહ્યું કે ૠતુરાજ ગાયકવાડ પાસે એક દાયકાથી વધુ સમય સુધી ચેન્નાઈની ટીમની કેપ્ટનશીપ કરવાની શાનદાર તક છે. ધોનીએ તેને વધુ સારી રીતે તૈયાર કર્યો છે. ભારતીય ટીમ પણ તેનો ભરપૂર ઉપયોગ કરશે, તે એક એવો ખેલાડી છે જે ત્રણેય ફોર્મેટમાં રમે છે.
રુતુરાજ ગાયકવાડને અત્યાર સુધી ભારતીય ટીમ માટે ૧ વનડે અને ૯ ટી ૨૦ મેચ રમવાની તક મળી છે. આમાં તે એકમાત્ર વનડેમાં માત્ર ૧૯ રન જ બનાવી શક્યો હતો. તે જ સમયે, તેણે ૯ ટી૨૦માં ૧૬.૮૮ની એવરેજથી ૧૩૫ રન બનાવ્યા છે, જેમાં ૧ અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. ૨૦૨૦ની આઇપીએલ સિઝનમાં ડેબ્યુ કર્યા બાદ ગાયકવાડે ૫૨ મેચોમાં ૩૯.૦૭ની એવરેજથી ૧૭૯૭ રન બનાવ્યા છે, જેમાં ૧ સદી અને ૧૪ અડધી સદીનો સમાવેશ થાય છે.