ગર્ભવતી મહિલાને મેટરનિટી લીવ ન આપવી એ તેમનું અપમાન છે

ભુવનેશ્ર્વર, ઓડિશા હાઈકોર્ટે ગર્ભવતી મહિલાની મેટરનિટી લીવ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઓડિશા હાઈકોર્ટે કહ્યું કે, ગર્ભવતી મહિલાને મેટરનિટી લીવ ન આપવી એ તેમનું અપમાન છે. કોર્ટે કહ્યું કે, આવું કરવું એ બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ આપવામાં આવેલ મહિલાઓને સન્માન સાથે જીવન જીવવાના મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે.

જસ્ટિસ શશિકાંત મિશ્રાની સિંગલ બેંચે સરકારી સહાયતા પ્રાપ્ત સ્કૂલના એક શિક્ષિકાને રાહત આપતાં કહ્યું કે જો કોઈ મહિલા કર્મચારીને આ મૂળભૂત માનવ અધિકારથી વંચિત રાખવામાં આવે તો તે વ્યક્તિ તરીકે તેની ગરિમા પર પ્રહાર છે. અને આ રીતે તે બંધારણની કલમ-૨૧ હેઠળ જીવનના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.

એક મહિલા ટીચરને ૧૯ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ ક્યોંઝર જિલ્લાના ફકીરપુરની પ્રેક્ટિસિંગ ગર્લ્સ હાઈસ્કૂલમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે સ્કૂલમાં મહિલાની નિમણૂક કરવામાં આવી હતી તે સ્કૂલ ઓડિશા સરકાર દ્વારા સંપૂર્ણ માન્યતા પ્રાપ્ત અને આર્થિક સહાયતા પ્રાપ્ત સ્કૂલ હતી. મહિલાએ ૨૦૧૩માં બાળકની ડિલિવરી માટે અરજી કરી હતી પરંતુ રજા મળવા છતાં જિલ્લા શિક્ષણ વિભાગે ટેકનિકલ ગ્રાઉન્ડના આધારે મહિલાને રજા દરમિયાન પગાર ચૂકવવાનો ઈક્ધાર કરી દીધો હતો. આ અંગે ફરિયાદ કરવા મહિલાએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

કોર્ટે કહ્યું કે માતા બનવું એ કોઈપણ મહિલાના જીવનમાં સૌથી મૂળભૂત, કુદરતી અને સ્વાભાવિક ઘટના છે. આ માટે કોઈ મહિલાને બાળકને જન્મ આપવા માટેની સુવિધા માટે જે પણ આવશ્યક છે તે કરવું એ એમ્પ્લોયરની જવાબદારી છે.

કોર્ટે કહ્યું કે માનવતાના આધાર પર એમ્પ્લોયરે મહિલા પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ અને કાર્યસ્થળ પર કામ કરતી મહિલાને તેની ફરજો નિભાવવામાં જે શારીરિક મુશ્કેલીઓને સમજવી જોઈએ.