નવીદિલ્હી, કાયદા અને ન્યાય અને સંસદીય બાબતોના કેન્દ્રિય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે ગઈકાલે સંસદમાં ખુલાસો કર્યો હતો કે હાઈકોર્ટમાં વર્ષ ૨૦૧૮થી ૨૦૧૭ સુધીમાં નિમણૂક કરવામાં આવેલા ૬૦૪ જજોમાંથી ૪૫૮ જજ જનરલ કેટેગરીના છે. તેમણે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના પ્રશ્ર્નનો જવાબ આપ્યો હતો જેણે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકમાં નબળા વર્ગના અસમાન પ્રતિનિધિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા.
ઓવૈસીએ પૂછ્યું હતું કે શું એ હકીક્ત છે કે તમામ હાઈકોર્ટમાં છેલ્લા પાંચ વર્ષમાં નિયુક્ત થયેલા ૭૯ ટકા ન્યાયાધીશો ઉચ્ચ જાતિના હતા જે પછાત અને લઘુમતીઓનું અસમાન પ્રતિનિધિત્વ દર્શાવે છે? આ સવાલ પર મેઘવાલે લોક્સભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં હાઇકોર્ટના ૬૦૪ ન્યાયાધીશોમાંથી ૭૨ ઓબીસી કેટેગરીના, ૧૮ કેટેગરીના અને માત્ર નવ એસટી કેટેગરીના છે. તેમણે વધુમાં કહ્યું કે ૬૦૪ જજોમાંથી માત્ર ૩૪ જજ લઘુમતી સમુદાયના છે. મંત્રીએ લોક્સભાને એમ પણ કહ્યું કે ૧૩ જજોના સંદર્ભમાં કોઈ માહિતી ઉપલબ્ધ નથી કારણ કે જ્યારે ન્યાયાધીશોના પદ માટે તેમના નામની વિચારણા કરવામાં આવી ત્યારે તેઓએ સંબંધિત માહિતી ભરી ન હતી.
ઓવૈસીએ ન્યાયાધીશોની નિમણૂકમાં સામાજિક વિવિધતા અને સામાજિક ન્યાય સુનિશ્ર્ચિત કરવા માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો સાથે સમાન પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે બીજો પ્રશ્ર્ન પૂછ્યો હતો કે શું ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ સિસ્ટમ લાગુ થયા બાદ અસમાન પ્રતિનિધિત્વ વધ્યું છે. જો તેનો જવાબ હા છે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સાથે પરામર્શ કરીને આ અંગે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? આ સવાલનો જવાબ આપતા મંત્રીએ સંસદમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિમણૂક ભારતના બંધારણની કલમ ૧૨૪, ૨૧૭ અને ૨૨૪ હેઠળ કરવામાં આવે છે જેના હેઠળ, કોઈપણ જાતિ અથવા વ્યક્તિઓના વર્ગ માટે અનામતની કોઈ જોગવાઈ નથી. તેમજ મંત્રીએ વધુમાં કહ્યું કે સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને વિનંતી કરી રહી છે કે ન્યાયાધીશોની નિમણૂક માટે દરખાસ્તો મોકલતી વખતે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકમાં સામાજિક વિવિધતા સુનિશ્ર્ચિત કરવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, અન્ય લઘુમતી અને મહિલાઓના યોગ્ય ઉમેદવારો પર વિચાર કરવો જોઈએ.