મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલા દુર્વ્યવહારનો મામલો આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યો

નવીદિલ્હી, મહિનાઓથી મણિપુર આક્રોશની આગમાં સળગી રહ્યું છે, હિંસા અને દૂરાચારે માઝા મૂકી છે. મહીલાઓને નિર્વસ્ત્ર કરી માર્ગ પર ફેરવવાનો મામલો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. સમગ્ર દેશમાં આ મામલે આક્રોશ છે. ભારત સ્થિત અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ મણિપુર હિંસાને ભારતની આંતરિક બાબત કહેતા એક પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, ’મેં તે વીડિયો જોયો નથી, આ અંગે હું પહેલી જ વાર કશું સાંભળી રહ્યો છું. પરંતુ મેં પહેલાં પણ કહ્યું હતું કે, જ્યારે જ્યારે માનવીય પીડા થાય છે, ત્યારે ત્યારે અમારૃં હૃદય દ્રવી ઊઠે છે.’

મણિપુરમાં મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવવાનો મામલો અત્યારે દેશમાં શેરીઓમાંથી સંસદ સુધી પહોંચ્યો છે, ત્યાં થઈ રહેલાં આગ-તાંડવ અને પાપાત્મક બળાત્કારો પછી મહિલાઓને નિર્વસ્ત્ર કરી માર્ગો પર ફેરવવાની ઘટનાઓએ દેશમાં સલ્તનત યુગમાં બનતી અમાનવીય ઘટનાઓની યાદ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે આક્રોશ ઠાલવ્યો હતો.

મણિપુરમાં ભાજપ સરકાર હોવાથી વિપક્ષોના પ્રહારો અત્યંત ધારદાર બની રહ્યાં છે. સંસદની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ છે. આ હિંસા અને નફરતની આગ કેમ કરી બુઝાવવી તેની રાજ્ય તથા કેન્દ્ર સરકારને પણ સમજાઈ રહ્યું. ભીતિ તો એ છે કે આનો લાભ ભારત વિરોધી દેશો ખાસ કરીને ચીન એક યા બીજી રીતે લેવા તેના પ્યાદાં ગોઠવી દેશે.