નવી દિલ્હી ; દિલ્હીની વહીવટી સેવા પર અંકુશના મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પાંચ જજની બંધારણીય ખંઠપીઠ દિલ્હી માટે કાયદો બનાવવા માટેની સંસદની સત્તાઓની રૂપરેખાની તપાસ કરશે. કોર્ટ એ બાબતની પણ ચકાસણી કરશે કે કેન્દ્ર દિલ્હીની વહીવટી સેવાઓ પરનો અંકુશ છીનવી લેવા દિલ્હી માટે વહીવટના બંધારણીય સિદ્ધાંતોને રદબાતલ કરી શકે છે કે નહીં.
અગાઉ કોર્ટની બંધારણીય ખંડપીઠે ઠેરવ્યું હતું કે દિલ્હીની વહીવટીસેવા પર દિલ્હી સરકારનો અંકુશ રહેશે. જોકે કેન્દ્રએ 19મેએ વટહુકમ જારી કરીને દિલ્હીની વહીવટી સેવા પરનો અંકુશ ફરી પોતાના હાથમાં લઈ લીધો હતો. કેન્દ્રએ રાષ્ટ્રીય રાજધાની સંબંધિત બંધારણની ખાસ જોગવાઇની કલમ 239-AA હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને વટહુકમ જારી કર્યો હતો. દિલ્હીની કેજરીવાલ સરકારે આ વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને સુપ્રીમ કોર્ટ મામલાની સુનાવણી બંધારણીય ખંડપીઠને સોંપવાનો ગુરુવારે આદેશ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે તેના આ આદેશમાં મુખ્ય બે કાનૂની સવાલો ઊભા કર્યા છે, જેની બંધારણીય ખંડપીઠ ચકાસણી કરશે. પ્રથમ એ કે દિલ્હી માટે કલમ 239-AA(7) હેઠળ કાયદો ઘડવાની સંસદની સત્તાની રૂપરેખા શું છે. બીજો એ કે સંસદ દિલ્હીના વટીવટ માટેના બંધારણીય સિદ્ધાંતોને રદ કરવા આ કલમ હેઠળની સત્તાનો ઉપયોગ કરી શકે છે કે નહીં. કોર્ટે જણાવ્યું હતું કે મુદ્દો એ છે કે કોઇ એક કાયદો વહીવટી સેવા પરના દિલ્હી સરકારના અંકુશને સંપૂર્ણપણે નાબૂદ કરી શકે કે નહીં. કેન્દ્રએ વટહુકમ દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ધારા 1991માં સુધારો કર્યો છે અને તેમાં 3A કલમનો ઉમેરો કર્યો છે. આ કલમ મુજબ દિલ્હી વિધાનસભા રાષ્ટ્રીય રાજધાનીમાં વહીવટી સેવા પર અંકુશ અંગે કાયદો બનાવી શકે નહીં.