કામ છોડી વતન પરત થઈ રહ્યા છે શ્રમિકો, કંપનીઓેેનું ટેન્શન વધ્યું

કોરોના વાયરસ રૂપી દૈત્યનો હાહાકાર દેશમાં વધી રહ્યો છે. અનેક રાજ્ય એવા છે જ્યાં દૈનિક કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન્સને ભલે કઠોર નિયમોની પરિભાષા આપવામાં આવી રહી હોય પણ બિનજરૂરી સેવાઓ બંધ કરવાનું પરિણામ લોકડાઉન સમાન જ નજરે ચડી રહ્યું છે.

ગત અઠવાડિયાથી ઉત્તર ભારત જતી ટ્રેનની બુકિંગમાં લાબું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. બુકિંગમાં સતત regret બતાવી રહ્યું છે. લોકડાઉન જેવી પરિસ્થિતિ પ્રદેશ અને પંચાયતની ચૂંટણી તેમજ રજા અથવા લગ્નની સીઝન ટ્રેનમાં ભીડ વધારી રહી છે. મધ્ય રેલવે ઝોનના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારના જણાવ્યા અનુસાર માત્ર રીઝર્વ ટિકિટવાળાને જ સ્ટેશન પરિસરમાં આવવાની અને ટ્રેનમાં જવાની મંજૂરી છે. અગાઉ જે લોકો કોમન બર્થ કે કેટેગરીમાં પ્રવાસ કરતા હતા એમને હવે સેકન્ડ સિટિંગ કેટેગરીમાં એક મર્યાદામાં રહીને ટિકિટ અપાઈ રહી છે. આ ઉપરાંત પ્લેટફોર્મ પર કોઈ પ્રકારની ભીડ ન થાય એટલા માટે પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં વધારો કરીને રૂ. 50 કરી દેવામાં આવી છે. રેલવે વિભાગ તરફથી છેલ્લા 15 દિવસથી સતત ભીડ ઓછી કરવા માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જોકે, કોરોના પહેલા જેટલી ટ્રેન દોડતી હતી એની તુલનામાં અત્યારે આડધી જ ટ્રેન દોડી રહી છે. કોરોના વાયરસની વધી રહેલા કેસ અને લોકડાઉનને ધ્યાને લઈને મુંબઈના વસઈ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં કામ કરનારા શ્રમિકો હવે પોતાના ગામ તરફ રવાના થઈ રહ્યા છે. બરોબર એક વર્ષ પછી આવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મુંબઈથી ઉત્તર ભારતના શહેરમાં જતી ટ્રેન હાઉસફૂલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

શ્રમિકોમાં એક એવી બીક છે કે, ગત વર્ષે જેવો માહોલ જોયો હતો એ ફરી સર્જાય. વતનમાં જઈને સુરક્ષિત રહીશું. જોકે, શ્રમિકો પોતાના વતન તરફ રવાના થતા કંપનીઓની મુશ્કેલીઓમાં એકાએક વધારો થયો છે. કંપનીઓ કહે છે કે, જો શ્રમિકો ચાલ્યા ગયા તો કંપનીને તાળુ મારવાનો વારો આવશે. સ્ટીલ યુનિટના વેપારીઓને ફરી એકવખત મંદીમાં ખોટ ખાવાનો વારો આવી શકે છે. વસઈમાં આશરે 4000થી વધારે કંપનીઓ છે. જ્યાં 40,000થી વધારે શ્રમિકો કામ કરી રહ્યા છે. જોકે, છેલ્લા એક અઠવાડિયાથી શ્રમિકો પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. મુંબઈના જુદા જુદા રેલવે સ્ટેશન પરથી આ શ્રમિકોની ભીડ જોવા મળી રહી છે.