મુંબઇ,ભારતના લગભગ દરેક દિશામાં રેલવે ટ્રેકનો વિસ્તાર છે. આ રેલવે ટ્રેક પર રોજ હજારો ટ્રેન યાત્રીઓને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. આ દરમિયાન દિવસમાં નાના-મોટા અકસ્માત થતા હોય છે. પણ કેટલાક અકસ્માત લોકોને વર્ષો સુધી યાદ રહેતા હોય છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના થાણેમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ટ્રેનમાંથી એક ૪ મહિનાનું બાળક ખાડીમાં પડીને વહી ગયો હતો. આ ઘટના બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અમ્બરનાથ જનારી લોકલ ટ્રેન કલ્યાણ-ઠાકુલી સ્ટેશન વચ્ચે કલાકો સુધી ઉભી હતી. રેલવે ટ્રેક પર પાણી ભરાયેલા હોવાથી આ લોકલ ટ્રેન ટ્રેક પર ઉભી હતી. આ ટ્રેનની બંને બાજુ ઝાડ અને ઝાડીઝાંખરા હતા અને સાથે ખાડી પણ હતી. કેટલાક યાત્રીઓ આ ટ્રેકની બાજુ પર ઉભા રહીને ટાઈમપાસ કરી રહ્યા હતા. ટ્રેનના ૨ ડબ્બા ગાડીને બરાબર ઉપર હતા. જ્યાંથી નીચે ઉતરીને ખાડીને પાર કરવાનો રસ્તો નાનો હતો.
કેટલાક લોકો પાઈપના સાંકડા રસ્તા પરથી ચાલીને જવાનું સાહસ કરી રહ્યા હતા. એક મહિલાએ પોતાનું ચાર મહિનાનું બાળક દેવરને આપ્યુ હતુ. પણ તેના હાથમાંથી બાળક સરકી ગયુ અને સીધુ ખાડીમાં પડયુ હતુ. સર્ચ ઓપરેશન છતા બાળક ન મળતા, બાળકની માતાના રડી રડીને હાલ બેહાલ થયા હતા.
આ ઘટના દરમિયાન વરસાદ પણ પડી રહ્યો હતો. આ ઘટનાના સાક્ષી બનેલા રેલવે યાત્રીઓ પણ પોતાની રીતે બાળકની શોધખોળ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. માતાના રુદનને કારણે સૌની આંખ ભરાઈ આવી હતી. ઠાકુર્લી અને કલ્યાણ સ્ટેશનો સુધી આ સમાચાર પહોંચતા જ રેલવે સુરક્ષા બળ, રાજકીય રેલવે પોલીસ અને રાહત-બચાવની ટીમ સર્ચ ઓપરેશનમાં જોડાઈ હતી. પણ કોઈને સફળતા મળી ન હતી.