સવારથી જ ખંભાળિયા પર તૂટી પડ્યાં મેઘરાજા, ૯ ઇંચ વરસાદમાં બદતર હાલત

દ્વારકા: વરસાદે દ્વારકાના ખંભાળિયાને ધમરોળ્યું છે. ખંભાળિયામાં સતત વરસાદથી મહાપ્રભુજીની બેઠક પાસે નદીમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે મહત્વનું છે કે, વહેલી સવારથી અત્યાર સુધી ખંભાળિયામં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નદીઓનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. જ્યારે સતત બીજા દિવસે દ્વારકામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. વહેલી સવારથી ખંભાળિયા પંથકમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે માર્ગો અને પુલ પર પાણી ફરી વળ્યા છે અને પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કબર વિસોત્રી ગામ સંપર્ક વિહોણું થયું છે.

અનરાધાર વરસાદ વચ્ચે રસ્તા પર પાણી ભરાયા છે. મુખ્ય બજારમાં રસ્તા જળમગ્ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી રસ્તા જાણે નદી બન્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દ્વારકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે હજુ હજુ 4 દિવસ વરસાદ ગુજરાતને તરબોળ કરશે. સાથે જ દ્વારકા જિલ્લા માટે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. દ્વારકામાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. રાજ્યમાં અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.

બીજી બાજુ, બપોરે 12 વાગ્યા સુધીમાં 29 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયામાં ખાબક્યો 9 ઈંચ વરસાદ પડ્યો છે. કલ્યાણપુરમાં પણ 4 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. પોરબંદરના રાણાવાવમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં 2 અને તાલાલામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 7 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં સેરરાશ 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 3 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ, જૂનાગઢ, ગીરસોમનાથમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. 2 જિલ્લામાં 76થી 100 ટકા સુધીનો વરસાદ નોંધાયો છે. 15 જિલ્લામાં 51થી 75 ટકા સુધીનો વરસાદ, જ્યારે 13 જિલ્લામાં 26થી 50 ટકા સુધીનો વરસાદ પડ્યો છે.