વડોદરામાં કોરોના મહામારી વચ્ચે એક પરિવાર લાચાર બન્યો છે. શહેરમાં વધતા કોરોના કેસને લઇને એમ્બ્યુલન્સ કે શબવાહિની ના મળતા પરિવારજનોએ અંતિમસંસ્કાર માટે મૃતદેહને લારીમાં લઈ જવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદારમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં શહેરના નાગરવાડા શાક માર્કેટ પાસે રહેતા 65 વર્ષયી એક વૃદ્ધાનું કુદરતી રીતે અવસાન થયું હતું. જો કે, પરિવારે અંતિમસંસ્કાર કરવા મૃતદેહને સ્મશાન સુધી લઇ જવા માટે એમ્બ્યુલન્સ અને શબવાહિની માટે અનેક સંસ્થાઓના સંપર્ક કર્યા પરંતુ વડોદરામાં કોરોના દર્દીઓમાં વધારો થાતા દર્દીઓને હોસ્પિટલ લઇ જવા એમ્બ્યુલન્સ તેમજ કોરોનાથી જે દર્દીઓના મોત થયા છે તેમના મૃતદેહોને સ્મશાન લઇ જવા માટે શબવાહિનીઓ વ્યસ્ત હતી.
તેથી પરિવારજનોને એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા તેમને મૃતદેહને લારીમાં લઇ જવા મજબૂર બન્યા હતા. શહેરના નગરવાડા વિસ્તારથી દોઢ કિલોમીટર દૂર ખાસવાડી વિસ્તારમાં સ્મશાન ગૃહ આવેલું હોવાથી પરિવારજનોને દોઢ કિલોમીટર સુધી મૃતદેહની સ્મશાન યાત્રા કાઢવી પડી હતી. જો કે, આવા કપરા સમયમાં લારીમાં મૃતદેહને સ્મશાન ગૃહ સુધી લઇ જતા જોઈ લોકોના હૃદય પણ હચમચી ઉઠ્યા હતા.